વડોદરા : શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ એમડી / મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરે તે પહેલા જ વેચાણ કરવા આવેલા બે પેડલરને 7.8 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અકોટા સ્ટેડિયમની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી પડકી પાડ્યા હતા. પોલીસે બંને પેડલરની ધરપકડ કરી સુરતના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ શહેરની યુવાધન ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે શહેર પો.કમિશ દ્વારા “ક્લીન વડોદરા નશામુક્ત વડોદરા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ સતત ડ્રગ્સ માફિયાઓને પકડી રહી છે.
દરમિયાન શનિવારના રોજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને બાતમીદારથી બાતમી મળી હતી કે, તાંદલજા વિસ્તારના સોહીલ સૈયદ અને ઈરફાન કુરેશી એમડી ડ્રગ્સની પડીકીઓ બનાવી છૂટકમાં વેચાણ કરે છે. તેમજ આ બંને જણ મરૂન કલરની એક્ટિવા ઉપર એમડી ડ્રગ્સની પડીકીઓ તેમના ગ્રાહકને આપવા અકોટા અતિથિ ગૃહની નજીક આવવાના છે .
જેથી મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસે અકોટા અતિથિ ગૃહથી લઇ અકોટા સ્ટેડિયમની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ સુધી વોચ ગોઠવી હતી. એસઓજી પોલીસની વોચ દરમિયાન અકોટા સ્ટેડિયમની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મળેલ બાતમીના આધારે મરૂન કલરની એક્ટિવા ઉપર બે શખ્સો આવતા જણાય હતા. જેથી પોલીસે બંને લોકોને કોર્ડન કરી તપાસ કરતા એક્ટિવામાંથી એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
એસઓજી પોલીસ પૂછપરછમાં સોહીલ સૈયદ અને ઈરફાન કુરેશી એમડી ડ્રગ્સ સૂરતના મનીષ સિંધી પાસેથી વેચાણ અર્થે લાવ્યા હોવાનું ખુલ્યું હતું. તેઓ પડીકીઓ બનાવી વડોદરામાં ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતા હતા. પોલીસે રૂ. 78,000ની મતાનું 7.8 ગ્રામ માદક પદાર્થ એમડી / મેફેડ્રોન ડ્રગ્સ, એક એક્ટિવા, બે મોબાઈલ મળી કુલ રૂ, 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઈરફાન ઇકબાલ કુરેશી (ઉ.વ 28) (રહે, આમિર કોમ્પ્લેક્ષ, જેપીરોડ પો.સ્ટેની સામે) અને સોહીલ યાસીન સૈયદ (ઉ.વ 21) (રહે, અલકરિમ રેસીડેન્સી, તાંદલજા) વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાઈ કરનાર સૂરતના મનીષ સિંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.