પોરબંદરમાં પોલીસ ગુંડાઓને રાજ્યાશ્રય આપવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

પોરંબદરમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યના કેસમાં પોલીસ આરોપીઓને બચાવવાના બદલે ધરપકડ કરીને તેઓને જેલના હવાલે કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફુાલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે, રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરીને પોરબંદર શહેર કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાજ કેશવાલા અને યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા સહિત બેની હત્યા તથા સિનિયર આગેવાનો વનરાજ કેશવાલા અને પ્રકાશ જુંગીને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના બની છે તેને હું વખોડી કાઢીને હત્યારાઓને કાનૂનના હવાલે કરીને પોરબંદર શહેર અને જિલ્લાને બાનમાં લેનાર તત્વોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.

ઠાકોરે કહ્યું હતું કે પોરબંદરની ઘટના માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો સહિતના ૧૧ આગેવાનો સંડોવાયેલા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોરબંદરમાં શેરી અને ગલીઓમાં ભાજપ સમર્થિત ગેંગએ આજકાલ આતંક ફેલાવ્યો છે. ડર અને ભયનો માહોલ ઉભો કરવાનો વધુ એક પ્રયત્ન છે. પોરબંદરમાં હત્યાઓ કરનારા, ખનીજચોરી, જમીન હડપ કરનારા તત્વોને ભાજપ દ્વારા ટિકિટો અને પક્ષના પદોની લહાણી કરવામાં આવી છે. આવા તત્વોને રાજ્યાશ્રય મળતાં બેફામ બન્યા છે. તેઓ ગેરકાયદેસર ખનન ચોરી, દારૂની હેરાફેરી સહિતના ગેરકાનૂની વ્યવસાયો કરી રહ્યા છે. પ્રતિષ્ઠિત લોકો અને વેપારીઓ ઉપર ધાક જમાવી છે. સામાન્ય નાગરિકોને તો તે ઠીક પરંતુ ભારતીય જનતા પક્ષના સિનિયર આગેવાનોને આવા તત્વોનો જાત અનુભવ થયો છે અને આગેવાનોને આવા તત્વોના હાથે બેફામ માર ખાવો પડ્યો છે પરંતુ હિંમતના અભાવે સિનિયર આગેવાનોએ પણ આવા રાજ્યાશ્રયવાળા અસામાજિક તત્વોને શરણે જવું પડ્યું છે.

ભાજપના પ્રદેશના આગેવાનોને આવી ઘટનાઓની માહિતી પણ છે આવા અસામાજીક તત્વોની સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેઓને રાજ્ય સરકારે હથિયાર લાયસન્સ પણ આપ્યા છે અને તેઓ બીજા ગેરકાનૂની હથિયારો પણ ધરાવે છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ રાજ્ય સરકાર પાસે પોરબંદરની આ ડબલ મર્ડર કેસની ઉંડાણપૂર્વકની તપાસ કરવા અને ભાજપમાં પ્રવેશેલા ભાજપ તત્વો સામે લાલા આંખ કરીને નેસ્તનાબૂદ કરવા માંગણી કરી હતી. જો રાજ્ય સરકાર તાકીદે પગલાં નહીં લે તો ગુજરાત કોંગ્રેસ પોરબંદરની પ્રજાની પીડાને વાચા આપવા જનઆંદોલન કરશે.

Most Popular

To Top