સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે પોલીસ ચોકીનું ગેરકાયદે પાક્કું બાંધકામ ફૂટપાથ પર ઉભું કરી દીધું છે. નવાઈની વાત એ છે કે આ બાંધકામ માટે પોલીસ વિભાગે કોઈ જ જાતની પરવાનગી લીધી નથી. ગરીબ ફેરિયાઓના લારી-ગલ્લાના દબાણ દૂર કરવા માટે ફોજ લઈને ઉતરી પડતા સુરત મહાનગર પાલિકાને પાંડેસરામાં પોલીસ ચોકીનું પાક્કું બાંધકામ દેખાતું નહીં હોય તેમ લાગે છે. કારણ કે ચોકીના બાંધકામ વિરુદ્ધમાં કોઈ જ કાર્યવાહી મનપા તંત્ર દ્વારા કરાઈ નથી.
સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજ્ય ઇઝાહાવાએ પાંડેસરામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની પોલીસ ચોકીને ગેરકાયદે ગણાવી તેનું ડિમોલીશન કરવા અરજી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સુરત મનપા કમિશનરને મોકલેલી આ અરજીમાં સંજ્ય ઇઝાવાએ ગેરકાયદે ચોકીને તોડી પાડવા વિનંતી કરી છે.
સંજ્ય ઇઝાવાએ શું આક્ષેપ કર્યા?
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલા કાર્યાલયનું બાંધકામ મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નથી અને કોઈ મંજુરી લેવામાં આવી નથી.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલા કાર્યાલયના બાંધકામ અંગે કોઈ પ્લાન પાસ કરાવવામાં આવ્યો નથી અને રજાચિઠ્ઠી મેળવેલી નથી.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલા કાર્યાલયના બાંધકામ રોડ સીમાથી મીનીમમ 3.00 મીટરની અંતર જાળવવામાં આવ્યું નથી.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલા કાર્યાલયનું બાંધકામ રોડ સીમાથી પણ આગળ બનાવવામાં આવ્યું છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલા કાર્યાલયનું બાંધકામ ફૂટપાથની ઉપર અંદાજે 4 ફૂટનું દબાણ કરીને બનાવવામાં આવ્યું છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી, પાંડેસરા, સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયના બાંધકામ ફૂટપાથ પર દબાણ કરવા અંગે કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી.
કસૂરવારો સામે કાર્યવાહીની માંગ
સંજ્ય ઇઝાવાએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ ખાતાએ કોઈ પણ કાયદેસરની પરવાનગી લીધા વગર, માર્જિન છોડ્યા વગર, ફૂટપાથ પર દબાણ કરીને ઈમારત બનાવી લોકોને ખોટા સંદેશો આપે છે. જેથી આ ઈમારત તાત્કાલિક ધોરણે તોડી પાડવી જોઈએ. પોલીસ ખાતાએ કાયદેસર મંજુરી લઈને નવું કાર્યાલય બનાવવા સરકારે હુકમ કરવો જોઈએ. આ ઉપરાંત ગેર કાયદેસર ઈમારત બનાવવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ.