ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કરાઈ પોલીસ (Police) એકેડમી ખાતે થયેલા પોસઈ ભરતી કાંડના મામલે આજે કોંગ્રેસે (Congress) હોબાળો મચાવીને ગૃહમાં દેખાવો કર્યા હતા. તે વખતે દરમ્યાન દરમ્યાનગીરી કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , ગુજરાતના યુવાઓનું હિત સરકારના હૈયે વસેલુંછે. પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંસદીય લોકશાહીની પ્રણાલિને જાળવી રાખીને ગૃહની કામગીરી ચલાવવી આપણા સૌની જવાબદારી છે.વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષે ચર્ચા માટે ઉઠાવેલા મૂદ્દા સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ ઘટના બને તો તેના માટેની ચર્ચા ખુલ્લા મને કરવા તેમની સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને ખુલ્લું રહેશે.
ગૃહની કાર્યવાહી નિયમાનુસાર ચાલતી હોય ત્યારે વિપક્ષના સભ્યો જે રીતે મુદ્દો ઉઠાવીને ચર્ચા કરવા ફરજ પાડી રહ્યા છે તે સ્હેજ પણ વ્યાજબી નથી. રાજ્યના નાગરિકો હોય કે યુવાઓ સૌનું હિત જ આ સરકાર ઇચ્છે છે અને સરકારે એમાં કાંઇ છૂપાવવાનું નથી. પટેલે એમ પણ જણાવ્યું હતું કે, પેપર લીકની ઘટના બની એ સંદર્ભમાં પણ સરકાર કડકમાં કડક પગલાં લઇ શકાય તે માટેની કાયદાકીય જોગવાઇઓ કરતું વિધેયક ગૃહમાં લાવી છે. એટલું જ નહિ, એમાં પણ સૌ સભ્યોએ ચર્ચાઓ કરીને આ વિધેયક પસાર કર્યુ છે.તેમણે કહ્યું હતું કે, યુવાનોને કોઇપણ પ્રકારે નુકશાન ન થાય એ માટે સરકાર પ્રો-એક્ટિવ થઇને કામગીરી કરી રહી છે. કાયદાકીય રીતે ગેરવ્યાજબી પ્રવૃત્તિ રોકવાની પૂરતી તાકાત સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. સરકારે આવી પ્રવૃત્તિઓને સાંખી નથી અને સાંખી લેવાની પણ નથી. મુખ્યમંત્રીએ કોંગીના સભ્યો દ્વારા વિધાનગૃહમાં આયોજનબદ્ધ રીતે વિરોધ કરીને ગૃહની કામગીરી ખોરંભે પાડવાના પ્રયાસની પણ આલોચના કરી હતી.