Charchapatra

પોલીસ રિમાન્ડ

ગૂઢ અભ્યાસ અને સિદ્ધહસ્ત અનુભવ મુજબ અંગત મતાનુસાર પોલીસને રીમાન્ડ દરમિયાન આરોપીને મારઝૂડ કરવાનો અધિકાર નથી! કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર હોય ત્યારે પોલીસને લાઠીચાર્જ કરવાનો અને / અથવા ફાયરિંગ કરવાનો અધિકાર છે! કિન્તુ પોલીસ સ્ટેશન યા ચોકી (બીટ)માં મારઝૂડ કરવાનો અધિકાર નથી! શું આ બાબતે લોકજાગૃતિની જરૂર નથી?! પોલીસ જો ઈન્ટરોગેશન સ્કિલ ધરાવતા હોય તો મારઝૂડની જરાયે જરૂર જ નહિ પડે. શું પોલીસ પાસે ઈન્ટરોગેશન સ્કિલ નથી? આરોપી કનેથી માહિતી કઢાવવાની અનેક રીતો ઉપલબ્ધ છે.એક પણ ટપલી માર્યા વિના આરોપી કનેથી બધી જ માહિતી સહેલાઇ અને સરળતાથી કઢાવી શકાય છે. 

ઉદાહરણ તરીકે આરોપીને મનગમતું ખાવા-પીવાનું આપવું.  ડર ઊભો કરવાની મનોવૈજ્ઞાનિક રીતો પણ અનેક છે. શું આ બાબતે સરકારે વિચારવાની જરૂર નથી? અમુક ભ્રષ્ટ પોલીસ નહીં મારવા સબબ તળે આરોપીના સ્વજન કનેથી અને / અથવા કહેવાતા પોલીસ સ્ટેશનના ખાસ દલાલો દ્વારા કથિત સેટિંગ અને ગોઠવણ કરી વાંધાજનક રીતે રીતસરના રૂપિયા જ પડાવવાના ગોરખધંધા જ કરતા હોય છે.  તે હરકોઈ સારી પેઠે જાણે જ છે.  સદર ગંભીર બાબત અંગે ઉચ્ચ પોલીસ અમલદાર સહિત સરકાર માઈ બાપે પણ કોઈ અસરકારક કડક પગલાં લેવાં જોઈએ કે નહીં? કૃપયા વધુ વિગત પ્રાપ્તિ અને સંપર્ક સૂત્ર કહેવાતા સિનિયર મોસ્ટ ક્રિમિનલ એડવોકેટ મહાશયો જોગ પ્રતિ ઈચ્છનીય છે.

સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળામાં 348 શિક્ષકો લાયકાત વિનાનાં
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતના અમદાવાદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં 348 (ત્રણસો અડતાલિસ) શિક્ષકો લાયકાત વિનાનાં છે. તાજેતરમાં વિધાનસભામાં એક ધારાસભ્યે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં શિક્ષણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, અમદાવાદ શહેરમાં 47 (સુડતાલિસ) ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં 219 (બસો ઓગણીસ) શિક્ષકો લાયકાત વિનાનાં છે. આ ઉપરાંત દસક્રોઈ, સાણંદ, ધોળકા, બાવળા, ધંધુકા, વિરમગામ અને માંડલની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ આ જ દશા (પરિસ્થિતિ) છે. લાયકાત વિનાનાં શિક્ષકો બાળકોને કેવું ભણાવતાં હશે? તે એક  પ્રશ્ન છે. સરકારે ઘટતું કરવાની જરૂર છે. તો જ ‘ભણે ગુજરાત’ અને ‘વાંચે ગુજરાત’ એ સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top