સુરત : (Surat) સરથાણા નેચર પાર્કની (Sarthana Nature Park) પાછળ તાપી કિનારા (Tapi shore) ઉપરથી ભૂમાફિયાઓ (Land mafias) દ્વારા ગેરકાયદે રેતીખનન (Illegal sand mining) કરવામાં આવતું હતું. આ વાતને લઇને સરથાણા પોલીસે રેડ (Raid) કરી હતી પરંતુ ભૂમાફિયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આ મુદ્દે પોલીસે ભૂસ્તર વિભાગને જાણ કરી રેતીચોર (Sand thief) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ ઉપરાંત રેતીચોરી માટે નદી કિનારે ઉભા કરાયેલા સ્ટ્રકચરને તોડી પાડીને સરસામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
તાપી કિનારા ઉપર કેટલાક ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ભૂસ્તર વિભાગ તેમજ ફાયર વિભાગની સાથે સરથાણા નેચર પાર્કની પાછળ રેડ પાડી હતી. પોલીસ અને સરકારી બાબુઓને જોઇને ભૂમાફિયાઓ ભાગવા લાગ્યા હતા અને ફરાર થઇ ગયા હતા. અહીંથી પોલીસે એક નાવડી તેમજ રેતી ભરવા માટેનો સામાન કબજે લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતીખનન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે ભૂસ્તર વિભાગને માહિતગાર કરવામાં આવ્યા છે અને હવે તેઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સરથાણા વિસ્તારમાં નેચર પાર્કની પાછળના ભાગે તાપી નદીનાં પટમાં પાળો બનાવી તેમજ રેતી ઉલેચવા માટે પાઇપ સાથેનું સ્ટ્રક્ચર તૈયાર કરીને રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદના આધારે આજે સરથાણા પોલીસની ટીમે ફાયરની મદદથી સ્પોટ ઉપર પહોંચી હતી. ત્યાં રેતીચોરી માટેનો સરસામાન જોવા મળતા પોલીસે ભૂસ્તર વિભાગને જાણ કરી હતી. પોલીસે રેતીચોરી માટે ઉભા કરવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડી પાડવાની સાથે રેતીચોરી કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સ્થળે ઘણા સમયથી ગેરકાયદે રેતીખનન કરવામાં આવી રહ્યું છે. જેથી ભુસ્તરને તમામ જાણકારી આપવામાં આવી છે.
સરથાણા નેચરપાર્કની પાછળ ગેરકાયદે રેતીખનન મામલે પોલીસ ફરિયાદ કરાશે: ભૂસ્તર શાસ્ત્રી
આ મામલે ભૂસ્તર શાસ્ત્રી સુનિતા અરોરાએ જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં રેતીચોરીના મામલે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને સાથે જ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.