અમદાવાદ : અમદાવાદ નજીક સાણંદમાં આવેલા નિર્વાણા ગ્રીન્સ બંગ્લોઝમાં હાઈ પ્રોફાઈલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કા મેજબાની માણી રહેલા 38 મહિલાઓ સહીત 81 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે અચાનક દરોડો પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. પાર્ટીમાં દારૂ હુક્કાની મોજ માણી રહેલા લોકો ગભરાઈ ગયા હતા. જો કે પોલીસે બંગલાને ચારેબાજુથી કોર્ડન કરતા એકપણ વ્યક્તિ બહાર નીકળી શક્યો ન હતો.
પોલીસે જ્યાં દરોડો પાડયો હતો, તે આલીશાન બંગલામાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલની બાજુમાં વિશાળ ગાર્ડનમાં 11 જેટલા ટેબલો ગોઠવવામાં આવ્યા હતા. આ ટેબલો ઉપર મહેમાનો માટે કેક, દારૂ અને હુક્કાની મોજ માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની સીલબંધ 8 બોટલો, વિદેશી દારૂની 8 અડધી ભરેલી બોટલો, 3 દારૂની ખાલી બોટલો તેમજ 10 જેટલા પાઈપવાળા હુક્કા, 41 જેટલા ફ્લેવરર્સના ડબ્બા મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની મહેફીલ માણી રહેલા પૈકી 74 લોકો પાસેથી મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. જ્યારે 22 જેટલી લક્ઝરીયર્સ કાર કબજે કરી અંદાજે 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત હતો.
આ હાઈ પ્રોફાઈલ પાર્ટી અંગે મળતી માહિતી મુજબ આદર્શ અગ્રવાલની 25મી વેડિંગ એનિવર્સરી હોવાથી હાઈ પ્રોફાઈલ દારૂ-હુક્કાપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી એક ખાસ થીમબેજ પાર્ટી હતી. આ પાર્ટીમાં શહેરના નામિકત વ્યકિતઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાનોને વિશેષ પહેરવેશ પણ આપવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં જેમની 25મી એનિવર્સરી હતી તે દંપતિના કટ આઉટ પણ લગાવવામાં આવ્યા હતા.

પોલીસે દરોડો પાડી 81 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી બિલ્ડર, ડોકટર, મોટા વેપારી સહિત 43 પુરુષોને હોસ્પિટલ ખાતે મેડિકલ ચેક ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 38 જેટલી મહિલાઓને નોટિસ આપી જવા દેવામાં આવ્યા હતા. પોલીસે હાઈ પ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટીના આયોજક અમિત કચેરીવાલ અને અન્ય વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.