અમૃતપાલ સિંહનું લાસ્ટ લોકેશન પોલીસે ટ્રેક કર્યું, એક મહિલાની ધરપકડ – Gujaratmitra Daily Newspaper

National

અમૃતપાલ સિંહનું લાસ્ટ લોકેશન પોલીસે ટ્રેક કર્યું, એક મહિલાની ધરપકડ

નવી દિલ્હી: પંજાબ પોલીસની (Punjab Police) ખાલિસ્તાની (Khalistan) સમર્થક તેમજ “વારિસ પંબાજ દે”નાં પ્રમુખ અમૃતપાલ સિંહ ઉપર ચાંપતી નજર છે. વેશ બદલીને ભાગ્યા પછી પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. અમૃતપાલના સંબંધીઓ તેમજ તેના મિત્રોના ઘરે પોલીસ રેડ પાડી રહી છે તેમજ તેઓ સામે પણ કડક પગલા ભરી રહી છે ત્યારે આજે પંજાબ પોલીસને અમૃતપાલના ફોનનું છેલ્લું લોકેશન મળી ગયું છે આ અંગેનો ખુલાસો IGP સુખચૈન સિંહ ગિલે કર્યો છે. આ ઉપરાંત પોલીસે અમૃતપાલની પત્ની સાથે પણ ચર્ચા કરી હતી. જેમાં મોટા ખુલાસા સામે આવ્યાં છે.

IGP સુખચૈન ગિલે જાણકારી આપી હતી કે પોલીસ અમૃતપાલની શોધ કરી રહી છે. ત્યારે અમને તેના ફોનનું છેલ્લું લોકેશન મળી આવ્યું છે જે હરિયાણામાં છે.આ ઉપરાંત પોલીસે એક મહિલાની પણ ધરપકડ કરી છે. અમૃતપાલ કુરુક્ષેત્રમાં આ મહિલાના ઘરે રોકાયો હતો. તેમજ આ મહિલાને અમૃતપાલના લગભગ 2.5 વર્ષથી ઓળખી રહ્યો છે. આ ઉપરાંત ગિલે જણાવ્યું કે અમે કેન્દ્રની તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં છીએ. અમૃતપાલની તમામ ગતિવિધીઓને તેમજ પરિસ્થિતને તપાસતા સાબિત થયું છે કે અમૃતપાલ રાષ્ટ્ર વિરોધી કારનામા કરી રહ્યો છે. આ ઉપરાંત જેટલા સબૂત મળી આવ્યા છે તેના પરથી સાબિત થાય છે કે તેનો સંપર્ક સીમા પારના લોકો સાથે છે.

આ ઉપરાંત પોલીસના ઓપરેશન અમૃતપાલની તપાસ કરતા સમયે તેની પત્ની કિરણદીપ કૌરના પણ આતંકી કનેકશન સામે આવ્યાં હતા. પોલીસને કિરણદીપ કૌર બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલી હોય તેવું કનેકશન પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત જાણકારી મુજબ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર NRI છે. તે બબ્બર ખાલસા ટીમની સક્રિય સભ્ય છે. કિરણદીપ બબ્બર ખાલસા માટે ભંડોળ એકત્ર કરે છે. 2020 માં બબ્બર ખાલસા માટે નાણાં એકત્ર કરવા બદલ તેની અને 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર ખાલિસ્તાન મૂવમેન્ટને બ્રિટનમાંથી ફંડિંગ કરતી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ પંજાબ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ક્યાંક છુપાયેલો હોઈ શકે છે. આ તમામ રાજ્યોની પોલીસની મદદ લેવામાં આવી રહી છે. અમૃતપાલને વિદેશ ભાગી ન જાય તે માટે BSF અને SSB પાકિસ્તાન અને નેપાળને અડીને આવેલી બોર્ડર પર પહેલેથી જ એલર્ટ પર છે.

Most Popular

To Top