Dakshin Gujarat

બારડોલીમાં શેરડીના સળગતા ખેતરમાં દીપડાનું બચ્ચું રડ્યું, તેની મા આવી અને પછી થયું આવું

બારડોલી : બારડોલી તાલુકાનાં વધાવા ગામના એક ખેતરમાં શેરડી કાપણી કરતી વખતે શેરડી સળગાવવામાં આવતા દીપડાનું બચ્ચાના રડવાનો અવાજ આવ્યો હતો, તેથી મજૂરો ગભરાઈને ભાગી ગયા હતા. ત્યાર બાદ ટ્રક ચાલકે હિંમત કરી આગમાં ફસાયેલા દીપડાને બચ્ચાને બહાર કાઢી વન વિભાગને સોંપતા વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે બચ્ચાનું માતા સાથે મિલન કરાવ્યુ હતું.

  • બારડોલી તાલુકાના વધાવા ગામની ઘટના
  • આગમાં ફસાયેલા દીપડાના બચ્ચાને ટ્રકચાલકે બહાર કાઢી બચાવ્યું
  • વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમ દીપડાના બે બચ્ચાનું માતા સાથે મિલન કરાવ્યું

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં વધાવા ગામે બોરાભાઈ કાલિદાસભાઈ ચૌધરીનું શેરડીનું ખેતર આવેલું છે. આ ખેતરમાં શેરડી કાપણી આવતા સુગર ફેક્ટરીના મજૂરોએ વહેલી સવારે શેરડી સળગાવી હતી. ત્યારે અચાનક શેરડીમાંથી કોઈ જાનવરના બચ્ચાનો અવાજ આવતા મજૂરો ગભરાઈને ખેતરની બહાર નીકળી ગયા હતા.

દરમ્યાન ખેતરમાં શેરડીનો જથ્થો લેવા આવેલા ટ્રકના ચાલક સ્વપ્નિલ ચૌધરીએ હિંમત દાખવી ખેતરમાં જઇ બચ્ચાને બહાર કાઢ્યું હતું. બચ્ચાને જોતાં તે દીપડાનું બચ્ચું હોવાની હકીકત જાણવા મળી હતી. બચ્ચું નાકના ભાગે થોડું દાઝી ગયું હતું. ઘટના અંગે ગામના જાગૃત નાગરિક સતિશ ચૌધરીએ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમને જાણ કરતાં પ્રમુખ જતિન રાઠોડ સ્થળ પહોંચ્યા હતા.

બચ્ચું દીપડાનું જ હોવાની પુષ્ટિ થતાં બારડોલી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવા આવી હતી. વન વિભાગના આર.એફ.ઑ. સુધા ચૌધરી અને તેમની ટીમે બચ્ચાનો કબ્જો મેળવી બારડોલી પશુ ચિકિત્સક ડૉ. આકાશ પાસે સારવાર કરાવી હતી. બાદમાં બચ્ચાને વન વિભાગની ઓફિસમાં રાખી તેની સારસંભાળ લેવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે બચ્ચાનું માતા સાથે મિલન કરાવવા તજવીજ હાથ ધરી હતી.

રાતના અંધારામાં દીપડી બચ્ચાને લેવા આવી ત્યારે વનવિભાગના ધબકારા વધી ગયા
બુધવારે રાત્રે બચ્ચું જ્યાંથી મળ્યું હતું તે જ ખેતરમાં લઈ જવાયું હતું. ત્યાં બીજા બચ્ચાનો પણ અવાજ આવતા શોધખોળ કરી હતી. ખેતરમાંથી બીજું બચ્ચું પણ મળી આવ્યું હતું. બંને બચ્ચાને એક કેરેટની ઉપર પ્લાસ્ટિકના બોક્સમાં મૂકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરવા માટે 4જી આઉટડોર સીસીટીવી કૅમેરા મૂકવામાં આવ્યો હતો. જેમાં બચ્ચાની માતા રાત્રિના 8.11 કલાકે એક બચ્ચું લઈ જતી નજરે પડે છે. ત્યારબાદ મધરાત્રે 12.25 કલાકે એક બચ્ચું લઈ ગઈ હતી. બંને બચ્ચાનું માતા સાથે સુખદ મિલન થતાં વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top