નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લા કેટલાય સમયથી ધરણા પર બેઠા છે અને WFIનાં પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણની ધરપકડની માગ કરી રહ્યાં છે. એક પછી એક આ મામલામાં ખુલાસા થઈ રહ્યાં છે. બ્રિજ ભૂષણ સામે બે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. જેમાં એક સગીર મહિલા રેસલર્સે નોંધાવી છે હાલ થોડાં દિવસ પહેલા જ તેણે પોતાનું નવું નિવેદન નોંધાવ્યું છે જેમાં તેણે માત્ર ભેદભાવની વાતનો ઉલ્લેખ કર્યો છે. આ નિવેદનમાં તેણે ક્યાંક પણ જાતિય સતામણીનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે બીજી ફરિયાદ અન્ય મહિલા રેસલર્સોએ નોંધાવી છે જેમાં તેમણે કહ્યું છે કે બ્રિજભૂષણ જબરદસ્તીથી શારિરીક સંબંઘ બાંધવા માટે દબાણ કરતા અને છેડતી કરતા હતા. આ મામલે પોલીસે બ્રિજ ભૂષણ પર આરોપ મૂકનાર મહિલા રેસલર્સો પાસેથી તેઓ સાથે થયેલી જાતીય સતામણીના ફોટા અને ઓડિયો ચેટ રજૂ કરવા કહ્યું છે. દિલ્હી પોલીસે આ કેસમાં 15 જૂન સુધીમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની છે.
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે શનિવારે સોનીપત ખાપ પંચાયતમાં સ્પષ્ટ કર્યું છે કે જો 15 જૂન સુધીમાં બ્રિજભૂષણની ધરપકડ કરવામાં નહીં આવે તો 16 કે 17 જૂને તેઓ ફરી એક મોટો નિર્ણય લઈ તમામ સંગઠનો સાથે આંદોલન કરશે. આ પછી પ્રદર્શન પણ ફરીથી શરૂ કરવામાં આવશે. સાક્ષી મલિકે એ પણ જણાવ્યું કે રેસલર્સને ધમકીના ફોન આવી રહ્યા છે. બજરંગને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે તે માની જાય, બધું છોડી દો. સમાધાન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. નહીં તો આખી કારકિર્દી ખતમ થઈ જશે. હવે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે ત્યારે જ અમે એશિયન ગેમ્સ રમીશું.
આ વચ્ચે બ્રિજભૂષણ રવિવારે ઉત્તરપ્રદેશમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. ગોંડાના બલપુર વિસ્તારમાં સ્થિત રઘુરાજ શરણ સિંહ ડિગ્રી કોલેજમાં રેલી કરી રહ્યા છે. આ ડિગ્રી કોલેજ માત્ર બ્રિજભૂષણ દ્વારા ચલાવવામાં આવે છે.