Gujarat

પોલીસની વાણી, વર્તન અને વ્યવહારમ બાબતે પોલીસની છબી સુધારવા ‘પહેલ’ સેમિનાર

ગાંધીનગર : વાણી, વર્તન અને વ્યવહારમાં પોલીસ (Police) છબી સુધારવા અમદાવાદ (Ahmedabad) પોલીસ તંત્ર માટે આજે મહત્વનો એવો ‘પહેલ’ સેમિનાર યોજાયો હતો. આ સેમિનરમાં સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજ બજાવતા પોલીસ દળની ગરિમાને વધુ ઊંચાઇએ લઇ જવી છે, પોલીસ નો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો હોય છે અને સારા કાર્યોની છાપ જનમાનસમાં કાયમ રહેતી હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેન્ટ, કાયદા-નિયમો, બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો પર તાલિમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર ‘પહેલ’નું આયોજન કર્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે, પ્રજા માટે, પ્રજા પડખે છે તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓએ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન કર્યું હતું.

મુખ્યમંત્રીએ ”પહેલ” સેમિનારનો પ્રારંભ અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. પટેલે અમદાવાદ શહેર ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે ઘડેલી ‘એરિયા એડોપ્શન સ્કીમ’ લોન્ચ કરી હતી. આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે. આ એરિયા એડોપ્શન સ્કીમ શરૂ થવાથી જે-તે સ્થાનિક વિસ્તારના જનસહયોગ અને સૂચનોથી ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે. મુખ્યમંત્રીએ ‘પહેલ’ સેમિનારમાં વધુમાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી કામ કરવાની જે દિશા આપી છે, તે દિશામાં પોલીસ વિભાગે ‘પહેલ’ સેમિનાર અને ‘એરિયા એડોપ્શન સ્કિમ’થી વધુ એક કદમ ભર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ નાનામાં નાના માનવીથી લઈને સૌ કોઇના સન્માનને મહત્વપૂર્ણ ગણાવી પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માનસભર વ્યવહાર ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે નીતિ-નિયમો અને કાયદા પાલનમાં પોલીસની કડકાઇ સરાહનીય છે અને સરવાળે તો સમાજજીવનના ભલા માટે, સારા માટે જ છે. સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થતાં હોય છે અને સારાં પરિણામો મળતાં હોય છે. પોલીસ માનવીય સંવેદના સાથે આવા પ્રયાસો કરતી રહી છે તે પણ પ્રસંશનીય છે.

વાણી, વર્તન અને વ્યવહારમાં પોલીસ છબી સુધારવા અમદાવાદમાં પહેલ સેમિનાર યોજાયો પ્રજા પ્રત્યે ફ્રેન્ડલી વલણ અપનાવો – ભૂપેન્દ્ર પટેલ

Most Popular

To Top