સાપુતારા, નવસારી, વલસાડ: (Dang, Valsad, Navsari) ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો આવ્યો હોય તેમ ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ 10 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) રવિવારે પણ કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં ડાંગ જિલ્લામાં 10, નવસારી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાએ રજા રાખી હોય તેમ એકપણ કેસ નોંધાયો ન હતો.
દક્ષિણ ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા નોંધાયેલા કેસમાં ડાંગ જિલ્લામાં કોરોનાએ ઉછાળા સાથે માથુ ઉચકતા સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લામાં આજે ડાંગ પોલીસ (Dang Police) વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ. સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ 10 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાંગ આરોગ્ય વિભાગ હરકતમાં આવી દોડતુ થયુ હતુ. હાલમાં આરોગ્ય વિભાગની ટીમે આ 10 પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 154 ઉપર પહોચ્યો છે. જેમાંથી 133 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે.
જ્યારે આજનાં કેસની સાથે હાલમાં 21 દર્દી એક્ટીવ છે. રવિવારે નવસારી જિલ્લામાં કોરોનાના 3 કેસ ચીખલી તાલુકામાં 2 અને નવસારીમાં 1 કેસ નોંધાયો હતો. જેમાં ચીખલીના વાંઝણા મોટા ફળિયામાં રહેતા આધેડ, ચીખલીના વંકાલ ગામે મોટા ફળિયામાં રહેતા યુવાન અને નવસારી તાલુકાના પૂણી ગામે નદી ફળિયામાં રહેતો યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વલસાડ જીલ્લામાં રવિવારે કોરોનાએ રજા લીધી હોય તેમ એક પણ કેસ નોંધાયો ન હતો.
આરોગ્ય કર્મારીઓને અપાઈ રસી આપવાની ટ્રેનિંગ
આ પહેલા વલસાડ જિલ્લાના 6 તાલુકાઓના 18 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શુક્રવારે બીજા તબક્કાની ડ્રાયરન ફોર કોરોના વેકસીનેશન કાર્યક્રમ કરાયો હતો. જે સંપૂર્ણ સફળ રહ્યો હતો. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકાના કુલ 18 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ની રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રન(મોકડ્રીલ) યોજાઇ હતી. જેમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવાના કાર્યક્રમનું મોકડ્રીલ કરાઈ હતી. જેમાં લાભાર્થીઓના લાઇનલીસ્ટ તૈયાર કરવા તથા લાભાર્થીને રસીકરણ કરવા માટેના પ્રચાર-પ્રસાર રસીના ફાયદાઓ તથા કોવિન એપ્લીકેશનમાં લાભાર્થીઓની એન્ટ્રીના ડેમો કરાયા હતા. કપરાડા તાલુકાના માંડવા પીએચસી ખાતે પણ કોરોના રસીકરણની ડ્રાય રન યોજાઈ હતી.