સુરત : કામરેજના (Kamrej) લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વીવર્સ પાસેથી રૂા.23.36 લાખનો ગ્રે કાપડનો માલ (Gray Cloth Goods) ખરીદ્યા બાદ સવાણી બંધુ દ્વારા પેમેન્ટ (Payment) ચૂકવવામાં આવ્યુ નહી હોવાની ફરિયાદ પોલીસ (Police) ચોપડે નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા રોડ જય ભવાની સોસાયટીમાં રહેતા તેજસ રમેશભાઈ જાસોલીયા (ઉ.વ.૩૨) લસકાણા ખાતે શિવ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્રુથા ટેક્ષટાઈલ અને કોમલ ટેક્ષટાઈલ ફર્મના નામે ગ્રે કાપડનો વેપાર કરે છે.
આ દરમિયાન તેઓની મુલાકાત મનોજ કાળુભાઇ સવાણી તેમજ જીવન મનજીભાઇ સવાણીની સાથે થઇ હતી. મનોજ અને જીવનભાઇ બંને રિંગરોડ પર અલગ અલગ ફર્મના નામે ગ્રે કાપડનો વેપાર કરતા હોય તેઓએ તેજસભાઇની પાસેથી રૂા. 23.36 લાખની કિંમતનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને બાદમાં પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે તેજસભાઇએ બંને સવાણી ભાઇઓની સામે પોલીસમાં ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કતારગામના વેપારી પાસેથી હીરા વેચવા માટે લઇ 14 લાખની ઠગાઇ
સુરત : કતારગામના એક હીરા દલાલે હીરા વેપારી પાસેથી રૂા.14 લાખની કિંમતના હીરા વેચવા માટે લઇ જઇને હીરા પણ આપ્યા ન હતા અને પેમેન્ટ પણ નહીં આપીને ઠગાઇ કરી હતી, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી ચાર રસ્તા હરીદર્શનï રો હાઉસમાં રહેતા રાજેશ મંજીભાઈ વિઠાણી (ઉ.વ.૪૨) કતારગામ મહેતા પેટ્રોલ પંપની નજીક હીરાનું કારખાનુ ચલાવે છે. તેઓની મુલાકાત હીરાના દલાલ તેજશભાઇ હિંમતભાઇ નારોલા (રહે, પુજા પાર્ક સોસાયટી આંબાતલાવડી કતારગામ) ની સાથે થઇ હતી. દરમિયાન આ તેજશ નારોલાએ રાજેશભાઇની પાસેથી રૂા. 14 લાખની કિંમતના 86.77 કેરેટ પોલીશ કરેલા હીરા વેચવા માટે લીધા હતા. લાંબો સમય છતાં પણ તેજશે કોઇ જવાબ આપ્યો ન હતો. તેજશ રાજેશભાઇને વારંવાર હું બજારમાં પેકેટ બતાવું છું, સારી ઓફર આવે એટલે તમને કહું તેમ કહીને વાત ટાળી દેતો હતો. થોડા ટાઇમ બાદ તેજશે રાજેશભાઇના ફોન ઉંચકવાનું જ બંધ કરી દીધું હતુ. આ બાબતે રાજેશભાઇએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તેજશની સામે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.