વડોદરા: શહેરના રાવપુરા સ્થિત રહેતો પરિવાર મથુરા દર્શનાર્થે જતા બંધ મકાનનું તાળું તોડી રહેલા તસ્કરોનો પ્લાન પાડોશીની સતર્કતાના પગલે નિષ્ફળ નીવડ્યો હતો. મકાનનો નકુચો તોડતા સમયે પાડોશીએ ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે એક તસ્કરને ઝડપી પાડી અન્ય એક ફરાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. લાભપાંચમના દિવસે તસ્કર ચોરી કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પડોશીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપીની ચોરીના પ્રયાસના ગુનામાં અટકાયત કરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરના રાવપુરા સ્થિત જી.પી.ઓ પાછળ આવેલ ખરચિકરનો ખાંચોમાં રહેતા કલ્પેશભાઈ હરિવદનભાઈ સુરતી મંગળવારે વહેલી સવારે 05 વાગ્યાના સુમારે દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે રાવપુરા જી.પી.ઓ ગલી પાસે બે અજાણ્યા છોકરાઓ બાઈક સાથે ઉભા જોવા મળ્યા હતા. ત્યારેબાદ તે બે પૈકી એક છોકરો ડીક્કીમાંથી પાના પકડ કાઢી કેરોન દુકાનની પાછળની લોખંડની જાળીનો નકુચો તોડતા નજરે ચડ્યા હતા. જેથી દૂધ લેવા નીકળેલા પાડોશી પોલીસ કંટ્રોલમાં ફોન કરવા જતા હતા તેટલમાં રાવપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આવ્યો હતો.
પોલીસે બંને છોકરાઓ પૈકી બાઈક સાથે ઉભેલા છોકરાની પુછપરછ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. જયારે તાળું તોડી ચોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. જોકે ઝડપાયેલા છોકરાએ પોલીસ સાથે ઝપાઝપી કરતા દૂધ લેવા નીકળેલા કલ્પેશભાઈ અને અન્ય એક વ્યક્તિ પોલીસની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી રહેલા છોકરાને પકડી પોલીસના હવાલે કર્યો હતો. ત્યારેબાદ પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી જોગિંદરસિંગ ગુરુમુખસીંગ શિકલીગર ( રહે, અનુપમ નગર, રેલવે કોલોની પાછળ ,દંતેશ્વર) તથા ફરાર શખ્સ ત્રિલોકસિંગ ઉર્ફે ચીંગુ તુફાનસિંગ શિકલીગર (રહે- વીમા દવાખાના પાછળ, વારસિયા) હોવાની વિગતો સપાટી પર આવી હતી.