National

સિદ્ધુ મૂસેવાલા મર્ડર: ગેંગસ્ટર ગોલ્ડી જાળમાં ફસાયો, અમેરિકાની પોલીસે કસ્ટડીમાં લીધો

નવી દિલ્હી: પંજાબી ગાયક અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા (Murder) બાદ બિશ્નોઈ ગેંગ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. પરંતુ અત્યાર સુધી તે પોલીસના (Police) હાથમાં આવતો ન હતો. તાજેતરમાં જાણકારી મળી આવી છે કે ગોલ્ડી બ્રારને અમેરિકાના કેલિફોર્નિયાની પોલીસે કસ્ટડીમાં લીધો છે. જો કે તે કેનેડામાં રહેતો હતો. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં લોરેન્સ બિશ્નોઈ સહિત 20થી વધુ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેને ભારત કયારે પરત લાવવામાં આવશે તો જોવું રહ્યું. જણાવી દઈએ કે મુસેવાલા હત્યા કેસે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભારતની બહાર પણ સિદ્ધુ મુસેવાલાના લાખો ચાહકોને હચમચાવી દીધા હતા.

ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તે અગાઉ પણ ગુનાખોરીના અનેક કેસોમાં સંડોવાયેલો છે અને 2017થી તે કેનેડામાં રહે છે. પરંતુ કેનેડામાં રહીને પણ તે સતત ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો હતો અને ખાસ કરીને ભારતમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને તેણે માત્ર ખંડણીનું રેકેટ જ ચલાવ્યું ન હતું, પરંતુ તે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ જેવી અન્ય ઘણી ગંભીર ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ મે મહિનામાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપ્યા બાદ ગોલ્ડી ભારતીય એજન્સીઓ તેમજ મૂસેવાલાના ચાહકોના નિશાના પર આવી ગયો હતો. વકીલોની મદદથી તેણે વિદેશમાં રાજકીય આશ્રય માંગ્યો હતો. ગોલ્ડી કેનેડાથી ભાગી ગયો હતો અને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચ્યો હતો, જ્યારે દબાણ વધી ગયું હતું અને તેણે કેટલાક વકીલોની મદદથી રાજકીય આશ્રય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને પકડીને ભારત લાવવામાં ન આવે. આ માટે તે બે કાયદાકીય નિષ્ણાતોની પણ મદદ લેવા માંગતો હતો. પરંતુ એક વકીલે ગોલ્ડીની ગુનાહિત પૃષ્ઠભૂમિ જોઈને કેસ લડવાનો ઈન્કાર કરી દીધો હતો.

ગોલ્ડીએ સિદ્ધુની મોતની જવાબદારી એક પોસ્ટ શેર કરીને લીધી હતી. આ ઘટના સાથે સંકળાયેલા 20 આરોપીઓની તો પોલીસે ધરકપડ કરી હતી પરંતુ ભારતથી દૂર બેસેલા ગોલ્ડીની ધરપકડ કરવી ભારત માટે મુશ્કેલ હતું. પરંતુ ગોલ્ડીની ધરપકડની જાણકારી મળતા તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીઘો છે. મળતી માહિતી મુજબ ગોલ્ડી કેલિફોર્નિયાના ફાસ્નો શહેરમાં હતો. ત્યાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જો કે ગોલ્ડી બ્રારની અટકાયત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે તેણીની 20 મેની આસપાસ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે.

Most Popular

To Top