સુરત : દારૂના (Alcohol) કેસમાં વરાછા પોલીસે (Police) કબ્જે કરેલી મોપેડ પોલીસ મથકની બહાર એક શેડમાં રાખવામાં આવી હતી, ત્યાંથી ચોરી થઇ જતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મોપેડની માલિકી ધરાવતી મહિલાએ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરી હતી. જે અરજી પર કોર્ટે ગાડી છોડવાનો હુકમ કર્યો હતો અને મહિલા પોલીસ મથકે પહોંચી ત્યારે મોપેડ ચોરી થઇ ગઇ હોવાનું માલુમ પડ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત જુન મહિનામાં વરાછા પોલીસે સુઝુકી એક્સેસ કંપનીની મોપેડ અને દારૂના બે ક્વાટર સાથે એક યુવકને પકડ્યો હતો. આ કેસમાં મોપેડ પણ મુદ્દામાલમાં કબ્જે લેવાઇ હતી. દરમિયાન મોપેડની માલિકી ધરાવતી મહિલા કોર્ટમાંથી મુદ્દામાલ અરજીની મંજુરી મેળવી મોપેડ છોડાવવા વરાછા પોલીસ મથકે પહોંચતા મોપેડ ચોરી થઇ ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે.
યાર્ન દોરાનો ટેલિફોનિક સોદ્દો નક્કી કરી રાજસ્થાનનો ઠગ સુરતના વેપારીને છેતરી ગયો
સુરત : સલાબતપુરામાં યાર્ન દોરાનો વેપાર કરતા વેપારીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરી 2 ટન યાર્ન દોરાનો માલ રાજસ્થાનથી સુરત મોકલવાના એડવાન્સ પેમેન્ટ પેટે રૂ.1 લાખ લઇ લીધા બાદ યાર્ન દોરા નહીં મોકલી છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સલાબતપુરા દક્ષિણી મહોલ્લામાં રહેતા અને ઘરે જ હરદેવ કૃપા ટ્રેડીંગના નામથી યાર્નના દોરાનો વેપાર કરતા અજય જમનાદાસ રાણા (ઉ.વ. 44)ને ગત 25 જૂને વ્હોટ્સએપ પર યાર્ન દોરાના જુદા-જુદા પ્રકારના મેસેજ આવ્યા હતા. દરમિયાન અજયે મેસેજ વાળા નંબર ઉપર ફોન કરતા જ સામેથી પ્રવિણ જૈનની ઓળખ આપનાર રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડી ખાતે આર.એસ.પોલીમર ઇન્ડિયાના નામે યાર્નના દોરાનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ બંને વચ્ચે વેપારની વાતો થઇ હતી. યાર્નના દોરાનો ભાવ ફીક્સ કરીને અજય રાણાએ 2 ટન દોરા (કિંમત રૂ. 2.40 લાખનો) ઓર્ડર કર્યો હતો. એડવાન્સ પેમેન્ટ પેટે એક લાખ આરટીજીએસથી રમેશ કુમાર નામના બેંક અકાઉન્ટમાં મોકલ્યા હતા. માલની ડિલીવરી બાદ બાકીનું પેમેન્ટ ચુકવવાનું આ સોદ્દામાં નક્કી થયું હતું. એડવાન્સ પેમેન્ટ મળ્યા બાદ પ્રવિણે વેપારી અજય રાણાને તમારો માલ જયપુર આરટીઓએ પકડ્યો હોવાની વાત કરી બાકી પેમેન્ટ કરી દો એટલે માલ છોડાવી લઉ તેવી વાત કરી હતી. જોકે અજય રાણાએ બાકીનું પેમન્ટ નહીં કરતા પ્રવિણ જૈને ડિલીવરી નહીં આપી ફોન બંધ કરી દીધો હતો. આ મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.