પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના (Police Station) પી.એસ.આઈ. (P.S.I) સહિતની ટીમે બાતમીના આધારે જોળવા ગામેથી શંકાસ્પદ મસાલાનું કારખાનું ઝડપી પાડી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉ પણ પલસાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ મસાલા બનાવવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. જો પોલીસ (Police) કડક ચેકિંગ હાથ ધરે તો હજુ પણ આ વિસ્તારમાંથી ઘણાં આવાં કારખાનાં ઝડપાય તો નવાઈ નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસમથકના પી.એસ.આઈ. ચેતન ગઢવીને બાતમી મળી હતી કે, જોળવામાં એક કારખાનામાં માનવ શરીરને હાનિ પહોંચે એ પ્રકારના મટિરિયલ્સ વાપરી રસોઇમાં વપરાતા વિવિધ મસાલાઓનું કારખાનું ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે ગત રવિવારે મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં પલસાણા પોલીસના સબ ઇન્સ્પેક્ટર ચેતન ગઢવી સહિત ટીમે પલસાણાના જોળવા ખાતે આવેલા સરવે નં.159/6 તેમજ બ્લોક નં.179 પર આવેલા સહયોગ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્લોટ નં.57 અને 58 પર આવેલા ટેસ્ટ ટેવર નામના મસાલાનું મેન્યુફેક્ચરિંગ કરતા અશોકકુમાર ફુલરામજી સેનના કારખાના પર રેડ કરી પોલીસે કારખાનામાંથી મેગી મસાલાનાં પેકેટ, મસાલા બનાવવા માટે વપરાતો કાચો માલ, 6 મસાલા પેક કરવાનાં મશીન તેમજ વજન કાંટા સહિતની સામાન મળી કુલ રૂ.7,85,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે શંકાસ્પદ મેગી મસાલાના કારખાના બાબતે મેગી મસાલો બનાવતી કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી તમામ હકીકત જાણવાની તજવીજ હાથ ધરી છે.
પલસાણાના મલેકપોરમાં અસામાજિક તત્ત્વોએ કેળના ઊભા છોડ અને લૂમ કાપી નાંખી
પલસાણા: સરભોણ નજીક આવેલા પલસાણાના મલેકપોર ગામની સીમમાં બે ખેડૂતોના કેળના ખેતરમાં અજાણ્યા શખ્સોએ ડ્રીપ ઇરિગેશનના પાઇપમાં ઝેરી દવા ભેળવી છોડને નુકસાન પહોંચાડવાની સાથે છોડ અને કેળાની લૂમ પણ કાપી નાંખતાં ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂતોએ પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના મલેકપોર ગામે રહેતા શબ્બીર શેખ અને સાબેર મલેક ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બંને ખેડૂતોએ હાલમાં કેળનો પાક લીધો છે. ખેતરમાં પાક તૈયાર થવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શબ્બીરભાઈના ખેતરમાં 1000થી 1200 જેટલા છોડ અને કેળાંની લૂમ કોઈ અજાણ્યા શખ્સ કાપી જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સાબેરભાઈના ખેતરમાં 1200 કેળના છોડ ઊભા છે, જેમાં ડ્રીપ વડે પાણી આપવામાં આવે છે. આ ડ્રીપમાં છોડ મારવાની દવા છોડવામાં આવતા મોટા ભાગના છોડને નુકસાન થયું છે. છોડનાં પાન સુકાઈ ગયાં છે. જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી પોલીસમાં આ અંગે ફરિયાદ કરવાની સલાહ આપતાં ખેડૂતોએ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળે છે. જો કે, આ કાવતરું કોણે અને કયાં કારણોસર કર્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી.