SURAT

ડુમસના દેસાઈ બંધુઓનું કારસ્તાનઃ એક જ પ્લોટ ત્રણ જણાને વેચી માર્યો, જમીન દલાલે રકમ પરત માંગતા..

સુરત : ડુમસમાં (Dummas) રહેતા દેસાઈ બંધુઓનું કારસ્તાન બહાર આવ્યું છે. ઘોડદોડ રોડ ખાતેની સોસાયટીમાં આવેલા પ્લોટના (Plot) જમીન દલાલ (Land broker) પાસેથી 1.52 કરોડ મેળવી લીધા પછી આ પ્લોટ બીજા બે વ્યક્તિને વેચાણ કરી આપ્યો હતો. બાદમાં જમીન દલાલને પ્લોટ અને પૈસા (Money) બંને ભુલી જવાનું કહી ગાળાગાળી કરતા ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઘોડદોડ રોડ ખાતે હરમન ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય ચેતનકુમાર જયંતિલાલ શાહ જમીન દલાલીનું કામ કરે છે. જયંતિલાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ડુમસ ખાતે રીવર પેલેસમાં રહેતા દેસાઈ બંધુ દિપકચંદ્ર અંબેલાલ દેસાઇ અને રજનીકાંત અંબેલાલ દેસાઇની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2016 માં ઘોડદોડ રોડ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ નજીકમા આવેલી સંકલ્પ કો.ઓ.હા. સોસાયટીમાં પ્લોટ નં. – 20 વાળી મિલકતનો દેસાઈ બંધુઓ પાસેથી જયંતિલાલે આ પ્લોટ વેચાણથી રાખવા સોદો નક્કી કર્યો હતો. આ પ્લોટના ટુકડે ટુકડે આજદિન સુધીમાં દેસાઈ ભાઈઓને 1.52 કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા. આ રકમ મેળવી મિલકતનો નોટોરાઇઝ સાટાખત કરી આપ્યો હતો. તેમ છતા દેસાઈ બંધુઓએ મિલકતનો આજદિન સુધી વેચાણ દસ્‍તાવેજ કરી આપ્યો નહોતો.

જયંતિલાલે પ્લોટનો દસ્તાવેજ નહીં થતા આપેલી રકમ પરત માંગતા તે પણ આપી નહોતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, દેસાઈ બંધુઓએ આ પ્લોટ ધર્મેન્દ્ર પદમશી પટેલ નામની વ્‍યક્તિને વેચાણ 14 જુન 2017 ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપી હતી. તથા બાદમાં આ જ પ્લોટને ત્રીજી વખત પુષ્પક કિશોર વિરાસ નામની વ્‍યક્તિને 30 ઓગસ્ટ 2017 ના રોજ વેચાણ કરી આપ્યો હતો. જેથી જયંતિલાલ સાથે રજીસ્ટર સાટાખત કરી આપી છેતરપિંડી કરી હતી. દેસાઈ બંધુઓને આ પ્લોટનો દસ્‍તાવેજ કરી આપવાનું કહેતા તેઓ ઉશ્‍કેરાઇ જઇ પૈસા અને પ્‍લોટ ભુલી જાઓ તેવું કહીને ગાળો આપી હતી. જેથી ઉમરા પોલીસે બંનેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top