National

મહારાષ્ટ્ર: શિંદે સરકારે પોલીસ તંત્રમાં કર્યા મોટા ફેરફારો, 113 IPS અધિકારીઓની બદલી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે ફડણવીસ સરકારની સ્થાપના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 104 અધિકારીઓને નવી પોસ્ટિંગ (Posting) મળી છે અને 9 અધિકારીઓ હજુ રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ કુલ 113 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

જ્યારથી સરકાર બની છે ત્યારથી ઉદ્ધવ સરકારના નિર્ણયો બદલવામાં આવી રહ્યા છે
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ નવી શિંદે સરકાર જૂની ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકારના નિર્ણયોને બદલી રહી છે. અગાઉની સરકારના ઘણા નિર્ણયો પર રોક લગાવવામાં આવી છે અને ઘણા નિર્ણયો બદલવામાં આવ્યા છે. ગયા ઓક્ટોબરમાં શિંદે સરકારે ઉદ્ધવ સરકારનો બીજો નિર્ણય બદલ્યો હતો જેમાં શિંદે સરકારે મહાવિકાસ અઘાડીના અનેક નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના 25 નેતાઓનું ‘વર્ગીકૃત’ સુરક્ષા કવચ દૂર કર્યું હતું. એટલે કે આ નેતાઓને તેમના ઘર કે એસ્કોર્ટની બહાર કાયમી પોલીસ સુરક્ષા નહીં મળે. સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી તેમનું વર્ગીકૃત સુરક્ષા કવચ દૂર કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સીએમ ઉદ્ધવને સુરક્ષા મળતી રહેશે
મળતી માહિતી મુજબ આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સુરક્ષા યથાવત રાખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી અને લોકસભા સભ્ય સુપ્રિયા સુલે સહિત તેમના પરિવારના સભ્યોની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે, જ્યારે જયંત પાટીલ, છગન ભુજબળ અને જેલમાં બંધ અનિલ દેશમુખ જેવા નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ “NCP ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની સુરક્ષા અકબંધ રાખવામાં આવી છે, જ્યારે શિવસેના (UBT) સચિવ મિલિંદ નાર્વેકરને (ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સહાયક)ને ‘વાય-પ્લસ-સિક્યોરિટી’ આપવામાં આવી છે.” વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ (બંને NCP)ને ‘વાય-પ્લસ-એસ્કોર્ટ’ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top