સુરત : ચંદીગઢની યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં (Union Bank of India) ચીફ મેનેજર તરીકેની ફરજ બજાવતા મેનેજરને (Manager) બેન્ક નિફ્ટીમાં રોકાણ (Invest) કરવાથી સારૂ વળતર મળશે તેવી લાલચ આપી શરૂઆતમાં રૂ.10.80 લાખનું રોકાણ કરાવડાવી તેમાં નુકશાન થતું અટકાવવા માટે વધુ રૂ.2.50 લાખ અને ત્રીજા તબક્કામાં રૂ.2.22 લાખ ખંખેરી લેવાયા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ચીફ મેનેજરે કરેલી અરજીને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોશિયલ મિડીયા ઉપર સ્ટોક માર્કેટના નામે કેટલીય એપ્લિકેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીમેટ એકાઉન્ટ માટે શહેરીજનોને મેસેજ મળી રહ્યા છે. કોઇપણ લિંક ઉપર ક્લીક કરતા જ દલાલ સ્ટ્રીટ તેમજ ડીમેટ અકાઉન્ટ ફ્રીમાં ખોલવા માટેના મેસેજો કેટલાક ભેજાબાજો દ્વારા નોકરીયાત તેમજ ધંધેદારીઓને મોકલવામાં આવે છે. મોબાઇલ નંબરોની વિગતો મેળવીને યેન-કેન પ્રકારે આવતા આવા મેસેજો અને લિંક ઉપર ક્લીક કરતા જ છેતરપિંડીના બનાવો બની રહ્યા છે ત્યારે બેંક મેનેજર સાથે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મુળ ચંદીગઢના વતની અને હાલ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે વિમલ હેટ્સાગોન ખાતે રહેતા અને ચંદીગઢની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર રાકેશકુમાર શ્યામાપ્રસાદ સિન્હા સાયબર ક્રાઇમમાં આપેલી અરજીને આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચીફ બેંક મેનેજર રાકેશકુમારને ગત ઓગષ્ટ મહિનામાં મોબાઇલ નંબર 8291102512 ઉપરથી દલાલ સ્ટ્રીટમાંથી સાક્ષી તથા મોબાઇલ નં. 7208931669 ઉપરથી અંકીત પટેલ તરીકેની ઓળખ આપનારનો ફોન આવ્યો હતો. બેંક મેનેજરને તેમની કંપની ફ્યુચર ઓપ્શનમાં ડીલ કરે છે અને તેમાં રોકાણ કરશે તો નફો કરાવી આપીશું તેવી 100 ટકા ખાત્રી આપી હતી. ફરિયાદી રાકેશકુમાર સિન્હા વિશ્વાસમાં આવી જતા તેમને બેન્ક નિફ્ટી 37700 PE માં ટુકડે ટુકડે 10.80 લાખ ઇન્વેસ્ટ કરાવ્યા બાદ તે નાણા નુકશાનીમાં ગયા હતા. જેથી વોલ્યુમમાં વધારો કરવાનું જણાવી રોઝર પે નામની દલાલ સ્ટ્રીટની લિંકમાં રૂ.2.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ઓપ્શન ટ્રેડીંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી વધુ રૂ.2.22 લાખનું નુકશાન કરાવી છેતરપિંડી કરી હતી.
દલાલ સ્ટ્રીટમાં ટ્રેડીંગ કરવા માંગો છો તો અમારી કંપની ફ્રીમાં કોલ આપશે
બ્રોકર સ્ટ્રીટમાં ટ્રેડીંગ કરવાની ચીફ બેંક મેનેજરને લાલચ આપવામાં આવી હતી. બેંક મેનેજરનો વિશ્વાસ કેળવી લીધા બાદ તેમની પાસે ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યા બાદ નુકશાની ગયું હોવાનું જણાવીને બેંક મેનેજરને ફરી વખત ફાયદો કરાવવાની લાલચ આપી હતી.
જેની ઉપર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તે જીએસટી નંબર વેરીફાઇ કરાવતા સરથાણા વિસ્તારના એક વ્યક્તિના નામે નીકળ્યો છેતરપિંડીનો ખ્યાલ આવી જતા દલાલ સ્ટ્રીટની માહિતી ચેક કરી તો જીએસટી નંબર ચેતન કાળુભાઇ ધોળકીયા (રહે. શ્યામધામ મંદિર, સરથાણા જકાતનાકા) સુરત હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વેરીફાય કરતા તેમની ઓફીસ બ્લ્યુ સ્ટોનમાં હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. જેને આધારે આજે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.