Charchapatra

પોલીસની પહેલ : મહિલા બુટલેગરને આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આપ્યું

આણંદ : આણંદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત મહિલા બુટલેગરને પુનઃવસન માટે આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આપવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા કચેરી બહાર જ શરૂ કરાયેલા આ આઈસ્ક્રીમ પાર્લરના શુભારંભ પ્રસંગે કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી મિલીન્દ બાપના, જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણ વિગેરે હાજર રહ્યાં હતાં. આણંદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાને ગુનાહિત વ્યવસાયમાંથી છોડાવી તેને સમાજમાં સમ્માનિત વ્યવસાય સાથે જોડી આ આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવનનિર્વાહનો માર્ગ અપનાવે તે માટે ઉમદા કામગીરી કરી છે.

ગુનાહિત માનસિકતા ન ધરાવતી કેટલીક મહિલાઓ પણ બેરોજગાર પતિની સ્થતિને તો ક્યાંક વિધવા બનતા અન્ય કોઈ રોજગારનો આશરો ન રહેતા સહેલાઈથી ઘરે બેઠા ચાલતા આ ધંધામાં જોડાઈને ગુનેગાર બની જતી હોય છે. આણંદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી કાઉન્સિલિંગ કરાયેલા 5 મહિલા બુટલેગરો પૈકી એક મહિલા બુટલેગર દ્વારા દારૂના વ્યવસાયને તિલાંજલિ આપી સરકારની વ્યવસાયિક પુનઃવસન યોજનામાં જોડાવાની તૈયારી દાખવતા મહિલા બુટલેગર દક્ષાબેન ચૌહાણને ડીએસપી કચેરી બહાર જ “હેવમોર આઈસ્ક્રીમ પાર્લર”શરૂ કરાવી આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે પાર્લર સંચાલિકા દક્ષાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી. જોકે, જિલ્લા પોલીસ વડાના પ્રયાસથી આ ઉજળો વ્યવસાય મેં અપનાવ્યો છે. આ વ્યવસાય સાથે જોડાઈને હું ગર્વ અને ખુશી અનુભવું છું. હવે મારા બે  સંતાનોને સારું ભવિષ્ય મળી રહેશે અને મને અને મારા પરિવારને સમાજમા સમ્માન સાથે જીવન જીવવાની તક મળી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલે જણાવ્યું હતું કે, પતિની માંદગી, બેરોજગારી સંતાનોનો ખર્ચ માટે વિવિધ ઉજળા વ્યવસાય કરી ચુકી છે. તેઓ એક સમયે અન્યના ઘરે જમવાનું બનાવવા પણ જતા હતા. પરંતુ પતિને માંદગી અને વ્યવસાયિક નુકશાન થતા દેવું સાત લાખને આંબી ગયું હતું. આ પરિસ્થિતિ હતાશ અને નિરાશ દક્ષાબેને વિદ્યાડેરી રોડ ઉપર દારૂનો વ્યવસાય કરવાનું શરૂ કર્યો હતો. ધંધો અને બદનામી વધતા તે પોલીસની નજરે ચઢી ગયો હતો. 31 વર્ષીય દક્ષાબેન ચૌહાણ છેલ્લા સાતેક વર્ષથી દારૂના સંકળાયેલા રહ્યાં હતાં. આ દરમ્યાન તેમના ઉપર 5 જેટલા કેસ પણ થયા હતા અને તેણીને જેલ પણ થઈ હતી. જે દરમ્યાન તેમનું કાઉન્સિલીંગ થતા તેઓએ જિલ્લા વડાને સામેથી કોઈક ઉજળો રોજગાર મેળવી આપવા વિનંતી કરી હતી. 

Most Popular

To Top