બીલીમોરા : બીલીમોરા જીઆઇડીસીમાં (GIDC) આવેલી એસી એન્જિનિયરિંગ કંપનીના (Company) એકાઉન્ટન્ટે (Accountant) છેલ્લા બે વર્ષથી જીએસટીના (GST) બોગઝ બિલો (Bill) મૂકી રૂ. 5.33 કરોડની ઉચાપત કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ગુના બદલ કંપનીના એકાઉન્ટન્ટ પતિ – પત્ની વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો પોલીસમાં (Police) નોંધાયો છે.
બીલીમોરા જીઆઇડીસીમાં આવેલી એ.સી.એન્જિનિયરિંગ કંપની વર્ષોથી ઓટોમોબાઇલ્સના કેબલ અને વાયરો બનાવે છે. તેમને ત્યાં એકાઉન્ટ મેંનેજર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરતા વિશાલ બાબુભાઈ પટેલે કંપની દ્વારા જીએસટીમાં ભરેલા ટેક્સની રકમના અસલ વાઉચરની જગ્યા પર કંપનીની ફાઈલમાંથી ડુપ્લિકેટ જીએસટી વાઉચરો મૂક્યા હતા. જેમાં જીએસટીમાં ભરેલી રકમ વધારે બતાવી ઓરીજનલ તરીકે દર્શાવી રૂ. 5.33 કરોડની ઉચાપત કરી હતી. આ રકમ વિશાલ પટેલે પોતાના અંગત વપરાશ માટે અને પત્ની ડીકુબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
કંપનીએ તેના હિસાબી ચોપડામાં ગેરકાયદેસર વ્યવહારો થયાનું માલુમ પડતા કંપનીના બેંક ખાતામાંથી એકાઉન્ટન્ટ વિશાલ પટેલના ખાતામાં ઘણી વખત મોટી રકમ ટ્રાન્સફર થયાનું માલુમ પડતા પોલ ખુલી હતી. જેથી એ.સી.એન્જિનિયરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મયંક ચોકસી (રહે બીલીમોરા)એ પોલીસમાં તેમને ત્યાં કામ કરતા એકાઉન્ટ મેનેજર વિશાલ પટેલ તેમની પત્ની ડીકુબેન વિશાલ પટેલ (રહે મહારાજા બંગલો, આસુરા ચોકડી, ધરમપુર) વિરુદ્ધ 5.33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ સિનિયર પોસઇ ડી.આર પઢેરીયા કરી રહ્યા છે.
આરોપીએ ફીનાઇલ પીવાનો ઢોંગ કરી ફરિયાદી ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો
પોતાને નોકરીમાં મળેલી સત્તાનો દુરુપયોગ કરીને એકાઉન્ટન્ટે કંપનીના કરોડો રૂપિયાની હેરાફેરી કર્યાની કબૂલાત કરી રૂપિયા ભરવાની તૈયારી બતાવી કંપનીને એડવાન્સ ચેક લખી આપ્યા હતા, પણ તે ચેકો રિટર્ન થયા હતા, ત્યાર પછી આરોપીએ કંપનીના સંચાલક આદિત્ય ચોકસી વિરુદ્ધ ધરમપુર પોલીસમાં એટ્રોસિટીની અરજી આપી હતી. જોકે વિશાલ પટેલે ખોટા આક્ષેપો કર્યા બાદ પોતે ફીનાઇલ પીવાનો ઢોંગ પણ કરી ફરિયાદી ઉપર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
એકાઉન્ટન્ટ બે દિવસના રિમાન્ડ પર
એકાઉન્ટન્ટે કરેલી 5.33 કરોડની ઉચાપત પછી વિશાલ પટેલની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે માંગેલા 14 દિવસના રિમાન્ડની સામે કોર્ટે બે દિવસ એટલે કે તા. 14 ઓક્ટોબર 2022 સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આ કેસમાં વિશાલ પટેલની ધરપકડ કરી છે. પણ હજુ તેમના પત્ની ડીકુબેન પટેલની ધરપકડ કરવાની બાકી હોવાનું પોસઇ ડીઆર પઢેરીયાએ જણાવ્યું હતું.