નડિયાદ: ખેડા જિલ્લામાં આર્યુવેદિક સીરપકાંડે ચકચાર જગાવી છે. રાજ્યમાં ભારે ચર્ચા જગાવતા આ કિસ્સાએ નડિયાદ સહિત ખેડા જિલ્લાની પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ સમગ્ર મામલે નડિયાદમાં જે ચર્ચાએ જોર પકડ્યુ છે તે આરોપી યોગેશ સિંધિના પોલીસ સાથેના સબંધોનો મુદ્દો છે. યોગેશ સિંધિની નડિયાદના કપડવંજ રોડ પર યોગી જનરલ સ્ટોર નામે દુકાન આવેલી છે, આ દુકાન જ આર્યુવેદિક સીરપની આયાત અને નિકાસનો મુખ્ય અડ્ડો હતો. એટલુ જ નહીં, તેના આ કાંડમાં સ્થાનિક પોલીસ પણ હપ્તાખોરી કરી તેને છૂટો દોર આપી રાખ્યો હોવાનું ત્યાંના જ સ્થાનિકો નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે.
મળતી વિગતો મુજબ આર્યુવેદિક સીરપકાંડે બિલોદરા, બગડુ અને વડદલા ગામના 5 યુવાનોનો ભોગ લીધો છે. આ મામલે આજે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી છે. આ ટીમમાં નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈ, એસ.ઓ.જી. અને નડિયાદ ગ્રામ્ય પોલીસ ઈન્સપેક્ટર અને મહેમદાવાદના પી.એસ.આઈ.નો સમાવેશ કરાયો છે. પોલીસે ખૂબ મોડે-મોડે આ સમગ્ર કાંડમાં જ્ઞાન થયુ છે અને શુક્રવારની મોડી સાંજે એસ.ઓ.જી. પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરીયાદ નોંધાઈ રહી છે.
જો કે, આ સમગ્ર આર્યુવેદિક સીરપકાંડ વચ્ચે નડિયાદ ટાઉન અને ગ્રામ્ય પોલીસની કામગીરી સામે શંકાઓ સેવાઈ રહી છે. તેમાંય ખાસ કરીને આરોપી યોગેશ સિંધી જે વિસ્તારમાં યોગી જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે, ત્યાં લાગતી જવાહર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ સામે તો સીધા સવાલ ઉઠ્યા છે. અહીંયા આ દુકાનની નજીકના વિસ્તારોના સ્થાનિકો સાથે વાતચીત કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે, ખુદ જવાહર ચોકીના પોલીસ કર્મચારીઓ માટે યોગેશ સિંધિની દુકાન બેસવાનો અડ્ડો હતી.
તેમજ યોગેશના આ ધીકધીકતા ધંધામાં સ્થાનિક પોલીસ હપ્તાખોરી કરી છુપા આશીર્વાદ આપતી હતી. તેમજ આ ધંધો આજકાલથી નહીં પરંતુ વર્ષોથી ચાલતો આવ્યો છે. ત્યારે પોલીસ આટલા વર્ષોથી શું કરી રહી હતી? તેમજ પોલીસની આ નબળી કામગીરીના કારણે જ આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ છે. તેમજ આરોપી યોગેશ સિંધિનો સ્થાનિક પોલીસ સાથે ઘેરાબો હોવાનું પણ જાણવા મળ્યુ છે. ત્યારે આ સમગ્ર કાંડની નિષ્પક્ષ તપાસ માટે જિલ્લા બહારના અધિકારીઓને તપાસ સોંપવામાં આવે તો જ ઉજાગર થાય અને નિષ્પક્ષ તપાસ બાદ અન્ય જવાબદારોના પણ નામ ખુલે તેવી શક્યતાઓ છે. તો સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અન્ય એક આરોપી કિશન સોઢાના પિતા સાંકળભાઈ સોઢાએ પણ આ મેઘા આસવ સીરપ પીધી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિએ પણ તેનું સેવન કર્યુ હતુ. આ બંનેની તબિયત લથડી છે. તેમજ બંને હાલ સારવાર હેઠળ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.
પ્રોહીબીશનની ફરિયાદોનો વરસાદ
આર્યુવેદિક સીરપકાંડ પહેલા ઉંઘી રહેલ પોલીસ વિભાગ અચાનક એક્શન મોડમાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં દેખાડા પૂરતી કાર્યવાહી કરતી ખેડા જિલ્લા પોલીસના વિવિધ પોલીસ મથકોમાં 24 કલાકના ટુંકા સમયમાં 40 કરતા વધુ પ્રોહીબીશન એટલે કે દારૂના ગુના નોંધાયા છે. નડિયાદ, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, ઠાસરા, કપડવંજ, કપડવંજ ગ્રામ્ય, મહુધા, નડિયાદ ગ્રામ્ય, નડિયાદ ટાઉન, માતર વડતાલ, વસો, સેવાલિયા, લીંબાસી સહિતના પોલીસ સ્ટેશન મથકોએ છેલ્લા 24 કલાક દરમિયાન 40થી વધુ પ્રોહીબિશનના ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદમાં આજે પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો આવશે
રાજ્યભરમાં ખેડા જિલ્લાના સીરપકાંડે ચર્ચા જગાવી છે. ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભીંસમાં મુકાઈ છે. ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સીરપકાંડ અંગે નિવેદન આપ્યુ છે. હવે કોંગ્રેસ પણ આ મામલે સરકારને ઘેરવા માટે મેદાનમાં ઉતરી છે. આજે પ્રદેશ કોંગ્રેસમાંથી વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા નડિયાદ આવશે. નડિયાદ આવી તેઓ બિલોદરા ગામની મુલાકાત લઈ પીડિત પરિવારોને સાંત્વના પાઠવશે. આ પૂર્વે જિલ્લા કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. તેમણે પણ પ્રદેશના નેતાઓના આગમન પહેલા સ્થાનિક પોલીસ તંત્રનો વિરોધ નોંધાવવા માટે તૈયારીઓ આરંભી છે. હાલ આ મુદ્દે રાજકીય પક્ષો સક્રિય થતાં ગરમાવો આવ્યો છે.
ભાજપે 33 દિવસમાં બીજાને બરતરફ કર્યો
ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષમાં એક પછી એક કાર્યકર કે હોદ્દેદાર વિવાદમાં સપડાઇ રહ્યાં છે. સવા મહિના પહેલા નડિયાદના સલુણ ગામની પરિણીતા પર બિલોદરાના એક ઈસમે દુષ્કર્મ આચર્યુ હતું. જેમાં આરોપીએ પોતાના ભાઈની ગાડીનો ઉપયોગ કર્યો હતો. આ આરોપીનો ભાઈ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાનો હોદ્દેદારો હતો. જેને 28મી ઓક્ટોબરે જિલ્લા પ્રમુખે બળાત્કારની ઘટના બાદ સસ્પેન્ડ કર્યો હતો. ત્યારે હવે એક જ મહિનાના ટુંકા અરસામાં ભારતીય જનતા પાર્ટીનો નડિયાદ તાલુકા સંગઠનનો કોષાધ્યક્ષ કિશન સાંકળભાઈ સોઢાનું નામ પ્રકાશમાં આવ્યુ છે. ત્યારે 33 દિવસના ટુંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે બીજા કાર્યકર્તા કિશન સોઢાને પણ તાલુકાના સંગઠનમાં કોષાધ્યક્ષપદ પરથી જિલ્લા બરતરફ કર્યો છે. ભાજપમાં વિવાદાસ્પદ હોદ્દેદારોના પગલે મોવડી પણ ચિંતામાં પડ્યું છે.
હવે પોલીસને આર્યુવેદિક સીરપ પણ મળી
અત્યાર સુધી આર્યુવેદિક સીરપના નામે જિલ્લાભરમાં ભરપૂર પ્રમાણમાં નશાનો બેફામ અને બેખૌફ વેપાર ચાલી રહ્યો હતો. આ વેપાર વચ્ચે 5ને મોત આપતો સીરપકાંડ થતા જિલ્લા પોલીસ પ્રશાસન સફાળું જાગ્યું છે. ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીને આજે જિલ્લા પોલીસ વડા દ્વારા આયુર્વેદિક સીરપનો જથ્થો શોધી નાખવા આદેશ કર્યા હતા. જેથી પોલીસે અનેક જગ્યાએ સપાટો બોલાવી આર્યુવેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વડતાલ પોલીસે 61 બોટલ અને વલેટવાથી 12 બોટલ જપ્ત કરી છે. મહેમદાવાદ પોલીસે જુદા જુદા 3 સ્થળો પરથી 69 આયુર્વેદિક સીરપની શંકાસ્પદ બોટલો ઝડપી છે. જ્યારે કઠલાલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સીરપની 49 બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે. કઠલાલ ખાતેના પાન પાર્લર એન્ડ જનરલ સ્ટોરમાંથી પણ જથ્થો ઝડપાયો છે.