SURAT

દિકરીના લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા પ્રોવિઝન સ્ટોરના માલિકે સસ્તુ સોનું ખરીદવાના ચક્કરમાં ગુમાવ્યા

સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા વ્યક્તિએ દિકરીના લગ્ન (Marriage) માટે ભેગા કરેલા રૂપિયા સસ્તુ સોનું (Gold) મેળવવાની લાલચમાં ગુમાવવાનો વારો આવ્યો હતો. ઠગ ટોળકીએ મુગલોના સમયનું 30 લાખનું સોનું 9 લાખમાં આપવાનું કહીને નકલી સોનું પધરાવી ગયાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.

રાંદેર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહિત ગુજરાત ગેસ સર્કલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીઝ કોર્નર નામથી કટલરી અને પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ગત 16 ઓગસ્ટે આશરે 35 વર્ષીય અજાણ્યો વાળમાં લગાવવા માટેનો કલર અને સેવિંગ ફોમ લેવા આવ્યો હતો. અને પોતે મધ્યપ્રદેશનો વતની હોવાની અને શંકર પ્રજાપતિ નામ હોવાની ઓળખ આપી હતી.

બીજા દિવસે અજાણ્યો તેની સાથે એક વ્યક્તિ અને મહિલા તેના મામા મામી હોવાની ઓળખ આપી લઈને આવ્યો હતો. અને તેની સારવાર કરાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાનું કહીને તેની પાસે મુગલ સમયના સોનાના 426 સિક્કા છે. અને તેઓ સુરતમાં નવા હોવાથી કોઈને ઓળખતા નથી જેથી સિક્કા વેચાણ કરતા કોઈ ફસાવી દેશે તેમ કહ્યું હતું. બાદમાં તેની થેલીમાંથી સોનાનો એક સિક્કો આપી સોની પાસે ચેક કરાવવા કહ્યું હતું. અને પોતાનો મોબાઈલ નંબર આપી ગયો હતો. નરપતસિંહે સોની પાસે સિક્કો ચેક કરાવતા સાડા સાતથી આઠ હજારની કિમતનો અને સાચો હોવાનું કહ્યું હતું.

દુકાને જઈને આ 426 સિક્કાનો હિસાબ કરતા તે 30 લાખના થતા હતા. બાદમાં દુકાનદારે શંકરને ફોન કરીને તેની પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહી સિક્કો લઈ જવા કહ્યું હતું. શંકરે તેની પાસેથી એક સિક્કાના 2500 લેખે 10.65 લાખ માંગ્યા હતા. 30 લાખનું સોનું દશ લાખમાં મળતુ હોવાની લાલચે નરપતસિંહે તેની દીકરીના લગ્ન માટે સોનાના દાગીના લેવાના હતા. જે માટે રૂપિયા 4.50 લાખની બચત અને બાકીને 4.50 લાખ સગા સંબંધીઓ પાસેથી લઈ 9 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. બીજા દિવસે શંકર, તેનો મામો અને મામી દુકાને આવી 426 સોનાના સિક્કાઓ આપી 9 લાખ લઈને નાસી ગયા હતા. બાદમાં આ સિક્કા સોની પાસે લઈને જતા તે ખોટા નીકળ્યા હતા. નરપતસિંહે આ અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top