સુરત: સુરત પોલીસના કેટલાંક જવાનો તાજેતરમાં મથુરાના કુંજકુટિર આશ્રમમાં સાધુ બનીને રહેવા લાગ્યા હતા. આ પોલીસ જવાનોએ વર્દી છોડી ભગવો ધારણ કરી લીધો હતો. એટલું જ નહીં આ પોલીસવાળાઓએ મંદિરે મંદિરે ફરી ભિક્ષા પણ માંગી હતી. પોલીસ જવાનોને આવું કામ કરવાની શું જરૂર પડી? ચાલો જાણીએ..
સુરત શહેરમાં મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલની યાદીમાં જે અગ્રીમ પંદર ઇનામી ગુનેગાર છે. તે પૈકીના મર્ડર કેસના એક આરોપીને પોલીસે મથુરાના કુંજકુટિર આશ્રમમાંથી પકડી પાડ્યો હોવાની વિગત જાણવા મળી છે. શહેરના પીસીબી પીઆઇ સૂવેરા દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં સાત કરતાં વધારે જવાનોએ મથુરાના મંદિરોમાં સાધુ સાથે સાતથી આઠ દિવસ રાતવાસો કર્યો હતો.
- શહેરનો મોસ્ટ વોન્ટેડ, ખૂંખાર, રૂ. 45 હજારનો ઈનામી હત્યારો આખરે ઝડપાઈ ગયો
- સાધુ વેશે ફરતો હોવાની બાતમી મળતાં 200થી વધુ મંદિરોમાં પોલીસની સાધુના વેશ ધરી તપાસ
- હત્યારો હાથ લાગ્યો ત્યારે સાધુના વેશમાં હાજર પોલીસે વાતવાતમાં હાથકડી પહેરાવી દીધી
- પોલીસે મથુરાના આશ્રમમાં સાધુનો ડોળ કરી ભિક્ષા માંગી 23 વર્ષથી વોન્ટેડ હત્યારાને દબોચી લીધો!
મર્ડર કેસના આરોપી સાથે રહીને તેની તમામ વિગત મેળવીને છેલ્લે આરોપીને હાથકડી પહેરાવતા આરોપી પણ ચોંકી ગયો હતો. પીસીબીના જવાનોએ મથુરાના મંદિરોમાં ભીક્ષા માંગીને, સાધુઓનો વિશ્વાસ કેળવીને આ ખૂંખાર આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરાંગદાસ પાડા (રહેવાસી કુંજકુરી આશ્રમ,નંદગામ, યુપી, મૂળ ઓડીસાનો રહેવાસી)ની ધરપકડ કરી હતી. સુરત પીસીબીએ સ્થાનિક પોલીસને અંધારામા રાખીને આખું ઓપરેશન પાર પાડ્યું હોવાની વિગત જાણવા મળી છે.
આરોપીએ 2001માં પ્રેમિકાની પાછળ પડેલાં યુવકની હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધી હતી
ખૂંખાર આરોપી પદમે પોલીસને જણાવ્યું કે ગઇ તા. 3 સપ્ટેમ્બર વર્ષ 2001માં તેણે પોતાના બે મિત્રો સાથે મળી વિજય નામના યુવકનું અપહરણ કરી, ગળે ટૂંપો દઈ હત્યા કરી, મૃતદેહના ટુકડા કરી લાશને ખાડીમાં ફેંકી દીધી હતી. પદમ જે મહિલા સાથે પ્રેમમાં હતો, ત્યાં વિજય અવારનવાર આંટા મારતો હતો. પદમે વિજયને તેની પ્રમિકાથી દૂર રહેવા સમજાવ્યું હતું. પરંતુ વિજય નહી સમજતાં છેવટે તેની કરપીણ હત્યા કરી હતી. ઉધના, શાંતિ નગર ખાડીમાંથી આ લાશ મળી આવી હતી. દરમિયાન આરોપી પદમ, પોલીસ ઓળખી ન શકે તે માટે મથુરાના આશ્રમ કુંજકુટિર આશ્રમમાં સાધુ બનીને દાઢી વધારીને રહેતો હતો.
પકડાઈ જવાની બીકે ક્યારેય પરિવારનો સંપર્ક કર્યો નહીં, મોબાઈલથી પણ દૂર રહ્યો
આરોપી પદમ ખૂબ જ ચાલાક હોવાને કારણે કુંજકુટિર આશ્રમમાં પીસીબીના જવાનો તેની સાથે રહ્યા હતા. તેની તમામ વિગતો તેઓએ મેળવી હતી. તેના પરિવારની વિગતો માલૂમ પડયા બાદ પદમને દબોચી લેવામાં આવ્યો હતો. પદમે પણ કબૂલાત કરી હતી કે પોતે પોલીસને કારણે પોતાના પરિવારનો કયારેય સંપર્ક કર્યો નથી. આ ઉપરાંત પોલીસને કારણે પોતે મોબાઇલ પણ વાપરતો ન હતો.