બારડોલી: (Bardoli) બારડોલીના અલ્લુ ગામથી આઠ વર્ષનો બાળક સાઇકલ લઈને મુંબઈ જવા નીકળી ગયો હતો. ત્રીસ કિમી સુધી સાઇકલ ચલાવી થાકી જતાં પલસાણા ગામે સાઇકલ (Bicycle) સાઇડે મૂકી સૂઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસને (Police) જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાળકને પલસાણાથી શોધી કાઢ્યો હતો અને તેનો કબજો પરિવારજનો સોંપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના અલ્લુ ગામે રહેતી રાજકુમારી સંજય યાદવે મંગળવારે સાંજે બારડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી કે, સવારના સાત વાગ્યાથી તેનો પુત્ર સૂર્યપ્રકાશ (ઉં.વ.8) ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો છે. આ રજૂઆત બાદ ઇનચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.જે.પંડ્યા અને તેમની ટીમ અલ્લુ ગામે પહોંચી હતી અને તાત્કાલિક સ્થળ તપાસ શરૂ કરી હતી. અલ્લુ ગામે રહેતા ઇરફાનભાઈના ઘર પાસે લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં સૂર્યપ્રકાશ સવારે સાત વાગ્યે પોતના ઘર નજીકની હોટલ પર પડેલી એક લોક વગરની સાઇકલ લઈને નીકળી બારડોલી તરફ જતો દેખાયો હતો.
આથી પોલીસે સુરત-ધુલિયા નેશનલ હાઇવે નં.53 પર અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બારડોલી લેઉવા પાટીદાર વાડી, અહેસાન પાર્ક, કસ્તુરી હોટેલ, ઉમા ટાયર પંચર, સાત્વિક બેકરી, સેકન્ડ ઈનિંગ્સ બિલ્ડિંગ તથા અન્ય વીસેક જેટલાં લોકેશન પર કેમેરા ચેક કર્યા હતા. જેમાં બાળક સાઇકલ પર પલસાણા તરફ જતો હોય તેવું દેખાયું હતું. આથી પોલીસે પલસાણા ચાર રસ્તા પરના કેમેરા ચેક કરતાં બાળક ચાર રસ્તા સુધી પહોંચ્યો હોવાનું નક્કી થયું હતું. પોલીસે રાત્રિના અંધારામાં ચેક કરતાં બાળક એક સ્ટ્રીટ લાઇટ નીચે સાઇકલ મૂકી સૂતેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને ઉઠાડી નામ પૂછતાં તેનું નામ સૂર્યપ્રકાશ હોવાનું જણાવ્યું હતું.
વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતા ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેણે પિતા સાથે મુંબઈ જવાની જીદ કરી હતી. પરંતુ પિતાએ ના કહેતાં તેણે એકલો મુંબઈ જવા નક્કી કરતાં તે કોઈને પણ કહ્યા વગર અલ્લુથી 30 કિમી પલસાણા સુધીનું અંતર કાપ્યું હતું. પરંતુ થાકી જતાં તે પલસાણા આવીને સૂઈ ગયો હતો. બાળક હેમખેમ પાછો મળી આવતા માતાપિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો..