Vadodara

પોલીસ ફોર્સ આંતરિક સુરક્ષા માટે દેશ બન્યો ત્યારથી કટિબધ્ધ : ગૃહમંત્રી

ગોધરા: ગોધરાના પોપટપુરા ખાતે રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ઓક્સિજન પ્લાન્ટ, બેંકના નવીન ભવન સહિતનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં ત્રણ જિલ્લામાંથી લોકો કાર્યક્રમ સ્થળ ખાતે સવારથી આવી ગયા હતા. અમિત શાહના આગમન બાદ લોકો મંડપ છોડીને જતા ખુરશીઓ ખાલીખમ જોવા મળી રહી હતી. જ્યારે માર્ગ ઉપર કેસરી કલરના સાફા પહેરેલા લોકોથી ઉભરાઈ ગયુ હતુ.હજારોની સંખ્યામાં લોકો કાર્યક્રમ છોડીને જતા તેમને રોકવામાં પણ આવી રહ્યા હોવા છતાં લોકો કોઇનું કહ્યું નહીં માનીને કાર્યક્રમ છોડીને જતા જોવા માંડ્યા હતા. એક મહત્વપૂર્ણ વાત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં
આવશે.

આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે
અમિત શાહે પ્રજાજનોને સંબોધતા જણાવ્યું હતુ કે આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે. ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારી માળખાને રાહત આપે એવા અનેક નિર્ણય વડાપ્રધાનએ લીધા છે.સહકારી ખાંડસરી ઉપર ભાવ ફેર અંગે લગાવવામાં આવતો અનોમલી ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે. જેનાથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારિતા પર ૧૮.૫ ટકા વેટ હતો, તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઇ રહી છે.વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે.

શહેરા તાલુકામાંથી 5 હજારથી વધુ લોકો કાર્યક્રમમાં ગયા
શહેરા તાલુકામાંથી 100 કરતા વધુ વાહનોમાં 5000 કરતા વધુ લોકો કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ગયા કાઢવા દૂધ શીત કેન્દ્ર ના હતા. અમિત શાહના વરદ હસ્તે ઈ લોકાર્પણ તાડવા દૂધ શીત કેન્દ્ર માં આવેલ 4700 મેટ્રિક ટનની ક્ષમતા વાળા બટર કોલ્ડ સ્ટોરેજ નું કરવામા આવ્યુ હતું.જ્યારે આ કાર્યક્રમનો વિરોધ કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય જે.બી.સોલંકી કરે નહી તે માટે પોલીસે આ કાર્યક્રમના સમય દરમિયાન નજર કેદ રાખ્યા હતા.

વડોદરા જિલ્લા પોલીસની 3 નવી કચેરીનું ઇ- લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત રહેણાંક સહિત બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું હતું. વડોદરાના છાણી સ્થિત જિલ્લા પોલીસ મુખ્ય મથકે પોલીસ નિગમ દ્વારા નવનિર્મિત આધુનિક પોલિસ અશ્વ દળ ,પોલીસ શ્વાન દળ તેમજ પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ સહિત એસઆરપી ગ્રુપ-1 ખાતે બી ટાઈપના નવ નિર્મિત આવસો અને કચેરીઓ મળીને કુલ 775 .98 લાખના કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. વડોદરા જિલ્લા મુખ્ય મથક છાણી ખાતે ગુજરાત પોલીસ નિગમ દ્વારા નવ નિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ લોકાર્પણમા વડોદરા જિલ્લામાં એસઆરપી ગ્રુપ 1માં બી ટાઈપના આધુનિક સુવિધાના આવાસો સહિત પોલીસ વિભાગના અશ્વ દળ, શ્વાન દળ અને મોટર ટ્રાન્સપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા મુખ્યાલય ખાતે આયોજિત સમારોહમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા , શહેર પ્રમુખ ડો વિજય શાહ, બીજેપી જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સહિત જિલ્લા પોલિસ વડા રોહન આનંદ એસઆરપીના કમાંડન્ટ સહિત બીજેપીના વરુષ્ઠ અગ્રણી પૂર્વ મેયર એન.વી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ગ્રામ્યમાં કુલ 11 અશ્વો અને 3 શ્વાન ફરજ પર છે . છાણી મુખ્ય મથક ખાતે અશ્વ દળઅને શ્વાન દળની આધુનિક નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. ગ્રામ્ય જિલ્લા ખાતે 228 વાહનો કાર્યરત છે. ત્યારે મોટર ટ્રાન્સપોર્ટની આધુનિક સુવિધા સાથેની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. વડોદર સ્થિત એસઆરપી ગ્રુપ1ના કર્મચારીઓ માટે 40 આધુનીક સુવિધા સાથેના આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ લોકાર્પણ કર્યું હતું.

રાજ્યના 31 હજાર પોલીસ જવાનને રહેવા માટેના મકાનો આપ્યાં છે
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં ત્યારથી આજદિન સુધીના સમયગાળા દરમિયાન લગભગ 3840 કરોડ રૂપિયાના ખર્ચે 31,146 પોલીસ જવાનોને રહેવાના મકાનો આપવામાં આવ્યાં છે. પોલીસ સેટીસ્ફેક્શન રેસીયોમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.’ તેમ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નડિયાદ ખાતે પોલીસ આવાસના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના 25 જિલ્લાઓમાં પોલીસ વિભાગ માટે રૂપિયા 347 કરોડના ખર્ચે બનાવવામાં આવેલાં 58 રહેણાંક અને બિનરહેણાંક આવાસોનું રવિવારના રોજ નડિયાદમાં આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ફોર્સ આંતરિક સુરક્ષા માટે દેશ બન્યો ત્યારથી કટિબધ્ધ છે. અનેકવિધ નવાનવા પડકારો, અવનવી ચુનોતીઓ જેમ જેમ આવતી ગઈ તેમ તેમ દેશના પોલીસદળો અપગ્રેડ થતાં રહ્યાં છે.

દેશને તોડવાના મનસુબા સાથે અનેક લોકોએ ષડયંત્રો કરતાં આવ્યાં છે. પરંતુ ફરજ નિષ્ઠ પોલીસે તેઓના ષડયંત્રોને વિફળ બનાવ્યાં છે. પરંતુ આ દેશની રક્ષા કરતા 35 હજાર કરતાં વધુ પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો છે. દેશને અત્યાર સુધી લડેલાં બધાં યુધ્ધો કરતાં આ સંખ્યા ઘણી છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, મયુરભાઈ રાવલ વિગેરે હાજર રહ્યાં હતાં.

નવનિર્મિત આવાસથી પોલીસદળ સુદઢ અને સુવિધાયુક્ત બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાના પાયામાં રહેલાં પોલીસ જવાનો અને પરિવારજનો માટે એક સાથે 58 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી રાજ્યના આહવાથી અરવલ્લી અને છોટાઉદેપુરથી કચ્છ સુધીના 25 જિલ્લાઓમાં આ નવી સુવિધાઓનું લોકાર્પણ રાજ્યના પોલીસદળને વધુ સુદઢ અને સુવિધાયુક્ત બનાવશે તેવો મને પાક્કો વિશ્વાસ છે.

Most Popular

To Top