પારડી : પારડીના (Pardi) ટુકવાડામાં ચાલીમાં રહેતી જુહીને મળવા વાપીના (Vapi) ચલા ખાતે ચાલીમાં રહેતો કુંદન શાહ ગઇકાલે રવિવારે આવ્યો હતો. રૂમ (Room) બંધ હોવાથી કુંદને એક રહીશને રૂમ કેમ બંધ છે, એમ પુછતા શખ્સે તમે કોણ છો અને જુહીનુ શું કામ છે, તે કહેતા ઝઘડો કરી એરગનથી ફાયરિંગ (Firing) કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ કુંદનને પકડી પાડી પોલીસને (Police) હવાલે કર્યો હતો. પોલીસે કુંદનની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.
- યુવકે એરગનથી ફાયરિંગ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી
- લોકોએ ફાયરિંગ કરનાર કુંદનને પકડી પાડી પોલીસના હવાલે કર્યો
- પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન ફોન આવતા પોલીસ ટુકવાડા ગામે આવી પહોંચી હતી
પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન ફોન આવતા પોલીસ ટુકવાડા ગામે આવી પહોંચી હતી. ટુકવાડાના બાવરી મોરિયા ફળિયામાં મોહનભાઈની ચાલી પાસે આસપાસના લોકોએ ફાયરિંગ કરનાર ઇસમને પકડી લઈ ત્યાં બેસાડી રાખ્યો હતો. ત્યાં હાજર રાકેશ રાજપુત (રહે વાપી ચલા)ને પૂછતા તેણે જણાવ્યું હતું કે રાત્રિના પોણા બાર વાગ્યાના સુમારે મોહનભાઈની ચાલીમાં રહેતી જુહીદેવી પટેલનો રૂમ બંધ હોવાથી એક ઈસમ કુંદન યોગેન્દ્ર શાહ (રહે.વાપી ચલા)એ રાકેશને જુહીનો રૂમ કેમ બંધ છે તેમ પૂછતા તેણે તમે કોણ છો અને જુહીનું શું કામ છે મને ખબર નથી રૂમ કેમ બંધ છે, તેમ જણાવતા યુવાને બોલાચાલી કરી હતી. જે બાદ રાકેશ સાથે રહેતા દિનેશ પટેલ સ્થળ પર આવી પહોંચ્યો હતો. તેઓને ડરાવવા માટે કુંદને એરગનનું ટ્રીગર દબાવી ફાયરિંગ કર્યું હતું. જેનો ધડાકાભેર અવાજને લઈ ચાલીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. ફાયરિંગ કરનાર કુંદનને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપી કુંદન યોગેન્દ્ર શાહની ધરપકડ કરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.