સુરત: ગયા અઠવાડિયે અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં ઘુસીને બે લૂંટારાઓએ કારખાનેદાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કારખાનેદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વીવર્સમાં રોષ ફાટી નીકળ્યો હતો. આરોપીઓની ધરપકડની માંગણી સાથે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 800 કારખાના એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા.
હવે આ કેસમાં અમરોલી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વીવર્સ કારખાનેદારોનો તંત્ર પ્રત્યનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે અમરોલી પોલીસે બંને લૂંટારાઓનું અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સરઘસ કાઢ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શું બની હતી ઘટના?
મંગળવારની રાત્રે 1.20 વાગ્યાના અરસામાં અંજની ઈન્ડસ્ટ્રીના એક કારખાનાની ઓફિસમાં બે હુમલાખોરો છરી લઈ લૂંટ કરવાના ઈરાદે ઘુસી ગયા હતા. કારખાનામાં મશીનોના ઘોંઘાટ વચ્ચે આ બે હુમલાખોરોએ ઓફિસની અંદર બેઠેલા 36 વર્ષીય યુવાન વીવર અનિલ ગોરધનભાઈ ડોંડાને ચપ્પુની અણીએ બાનમાં લીધો હતો. હુમલાખોરોથી બચવા વીવરે પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. બંને હુમલાખોરોએ વીવરને માર માર્યો હતો અને આખરે તેને લૂંટીને જતા રહ્યાં હતાં.
પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે અંજની ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 134-135માં અનિલ ગોરધનભાઈ ડોંડા કાપડનું કારખાનું ચલાવે છે. અનિલ ડોંડા મૂળ ભાવનગરના વતની છે. સુરતની અંજની ઈન્ડસ્ટ્રીમાં તેઓ પોતાની માલિકીનું કારખાનું ધરાવે છે.
મંગળવારની મધ્યરાત્રિએ તેઓ પોતાના કારખાનાની ઓફિસમાં બેઠાં હતાં ત્યારે અંદર ઘુસી બે હુમલાખોરોએ છરી સાથે તેમની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તે વીવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન ઘટનાનોું રેકોર્ડિંગ જોવા માટે પોલીસે ડીવીઆર કબ્જે લીધું હતું. સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોને ઓળખી તેઓને પકડવાની દિશામાં અમરોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.