વડોદરા : અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો સામે પોલીસ તથા ટ્રાફિક વિભાગ કેમ ચૂપકિદી સેવી રહ્યું છે. જેની સ્થાનિક સહિતના લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે. દિવાળીના તહેવારને લઇને શુ ખાનગી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી? કે પછી રાજકીય પીઠબળ હોવાથી વાહનચાલકો પોલીસને ગાંઠતા નથી. શહેરના અમિતનગર,માણેકપાર્ક સહિતના વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પરમિશન નહી આપવામાં આવી હોવા છતાં બિન્દાસ્તા ખાનગી વાહન બેફામ ફરી રહ્યા છે. વાહનચાલકો મર્યાદા કરતા વધારે મુસાફરોને ગાડીમાં ભરીને પોલીસના નિયમોનો ભંગ કરવામાં આવે છે. છતાં ટ્રાફિક પોલીસ કેમ તેમની કાર્યવાહી કરવામાં ચૂપકિદી સેવી રહી છે. ગેરકાયદે બનાવવામાં આવેલા ઇકો સ્ટેન્ડ પર હાલમાં મોટી સંખ્યામાં ખાનગી વાહનો ઉભા રહે છે.
ઘણા વર્ષો અગાઉ અમિતનગર સર્કલ પાસે સરકારી બસોને ઉભુ રહેવા માટે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યાં સરકારી બસો ઉભી રહેતા જનતાને પણ ભાડામાં રાહત રહેતી હતી. સર્કલ પાસે શાળા આવેલી છે. જેથી શાળા છૂટે ત્યારે મોટી સંખ્યામાં બાળકો પોતાની સાઇકલ સહિતના વાહનો લઇને બહાર નીકળતા હતા. વર્ષો અગાઉ એક સરકારી બસના ચાલક દ્વારા ખાનગી શાળાના એક વિદ્યાર્થીએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. જેથી આ સર્કલ પરથી સરકારી બસોનું સ્ટેન્ડ હટાવીને સોમાતળાવ ખાતે લઇ જવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સર્કલ પર ખાનગી વાહનોએ સ્ટેન્ડ બનાવી લીધી હતું. અહીયા મોટી સંખ્યામાં વાહનો ઉભા રહેતા હોવાથી ટ્રાફિકજામ અ્ને વારંવાર ઝઘડા થવાની ઘટનાઓ બનતી હોય છે. જેનાથી સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. અહિયાથી ખાનગી વાહનોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી સ્થાનિક સહિતના લોકો માંગણી કરી રહ્યા છે. વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં પોલીસ-ટ્રાફિક દ્વારા કેમ ચૂપકિદી સેવવામાં આવી રહી છે ?