વાંસદા : વાંસદાના (Vansda) જુજડેમમાંથી છ માસના બાળકની લાશ (Deadbody) મળી આવી હતી. જેની જાણ રાયબોરના માછીમારે વાંસદા પોલીસ મથકે (Police station) ફરિયાદ આપી હતી. ત્યારબાદ વાંસદા પોલીસે મૃત બાળકના વાલી-વારસને શોધી કાઢી કાર્યવાહી કરી હતી. જે અનુસંધાને વાંસદાના પીઆઇ બી.એમ.ચૌધરી તથા પીએસઆઇ પી.વી.વસાવા અને પોલીસ સ્ટાફે ટીમ બનાવી વાંસદા, વઘઇ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સુરગાણાના ગામોમાં બાળકના વાલી વારસની તપાસ કરવા ઉપરાંત હોસ્પિટલોમાંથી ૦ થી ૧ વર્ષના જન્મેલા ૭૪૦૦ બાળકોની માહિતી મેળવી તેમના સરનામાં સુધી પહોંચી જન્મેલા બાળકની ઉંડાણપુર્વક તપાસ કરી વાંસદા તાલુકાની ૧૩૫ આશાવર્કરો સાથે ચર્ચા કરી મૃત બાળક સાથે મળી આવેલી વસ્તુના ફોટા બતાવી તપાસ કરી હતી.
- વાંસદા, વઘઇ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સુરગાણાનાં ગામો પોલીસ ફંફોસી વળી
- પોલીસ હોસ્પિટલોમાંથી ૦થી ૧ વર્ષ સુધીનાં ૭૪૦૦ બાળકની માહિતી મેળવી ઘરેઘર ભટકી
- વાંસદાના જુજડેમમાંથી છ માસના બાળકની લાશ મળી હતી
બનાવ સ્થળેથી મોબાઇલ ટાવરના ડેટા લઇ ૩૩૦૦ નંબરોના એનાલીસ કર્યા હતા. તે દરમ્યાન વાંસદા પોલીસને બાતમી મળી હતી કે વાંસદાના ખાટાઆંબાના આંબાપાડા ફળિયામા રહેતા વિનોદ નવસુભાઇ માહલા (ઉ.વ.36)ની પત્નિ હયાત હોવા છતા ધરમપુરના આસુરામાં રહેતી મહિલા સાથે પ્રેમ-સંબંધ હતો. અને તે દરમ્યાન મહીલાએ બાળકને જન્મ આપ્યો હતો પણ હાલમાં તેમને ત્યાં બાળક નથી. અને તેઓ બંને હાલ સુરતના માંડવી તાલુકાના કરંજ ગામમાં રહેતા હોવાનું જાણવા મળતા વાંસદા પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ કરંજ ગામમાં પહોચી હતી. જ્યાંથી વિનોદ નવસુભાઇ માહલા અને મહિલાની ધરપકડ કરી વાંસદા પોલીસ સ્ટેશને લઇ આવી હતી. જ્યાં કડક પુછપરછ કરતા તેમણે જુજ ડેમના પાણીમાંથી મળી આવેલ બાળક પોતાનું હોવાનું અને તેની હત્યા કરી વિમલાના થેલામાં મુકી પાણીમાં નાખી દીધાની કબુલાત કરી હતી. આમ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી ચકચારી ઘટનાનો ભેદ ઉકેલી માસૂમ બાળકના મર્ડરના આરોપીઓને શોધી કાઢ્યા હતા. આ ગંભીર બનાવ અંગે વાંસદા પોલીસ મથકે બંને આરોપી વિરુધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ વાંસદાના પીઆઇએ હાથ ધરી હતી.