નવી દિલ્હી: નોર્થ મેક્સિકોના (North Mexico) બાજા કેલિફોર્નિયામાં એક કાર રેસિંગ શો (Car racing show) દરમિયાન ફાયરિંગમાં 11 રેસર્સનાં મોત અને નવ લોકો ઘાયલ થયા હતા. રાજ્યના એટર્ની જનરલ ઓફિસે જણાવ્યું હતું કે હુમલો એન્સેનાડા શહેરના સાન વિસેન્ટ વિસ્તારમાં ઓલ-ટેરેન કાર રેસિંગ શો દરમિયાન થયો હતો. આ ફાયરિંગ ડ્રગ માફિયાઓ વચ્ચે થયું હતું. રોઇટર્સના જણાવ્યા અનુસાર હુમલાખોરો ગ્રે વાનમાં આવ્યા હતા. તે સમયે રેસમાં ભાગ લેનાર રેસર્સ ગેસ સ્ટેશન પર ઊભા હતા. ત્યાર બાદ હુમલાખોરોએ રેસર્સ પર ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલા બાદ, રાજ્ય પોલીસ, મરીન, ફાયર બ્રિગેડ અને મેક્સિકન રેડક્રોસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
મેયર આર્માન્ડો અયાલા રોબલ્સે જણાવ્યું હતું કે રાજ્યના એટર્ની જનરલ રિકાર્ડો ઇવાન કાર્પિયો-સાંચેઝે ગોળીબારની તપાસ કરવા માટે એક વિશેષ ટીમની રચના કરી હતી. જોકે, પીડિતોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. ફોક્સ 8 અહેવાલ મુજબ, મેક્સિકન રેડક્રોસે ઘાયલોને ઉત્તરી બાજા કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા.