કામરેજ: ખોલવડ ગામે નેશનલ હાઈવેની (National Highway) બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરના બાથરૂમમાંથી (Bathrom) નગ્ન હાલતમાં અજાણ્યા ઈસમની શંકાસ્પદ હાલતમાં દુર્ગંધ મારતી લાશ (Deadbody) મળી આવતાં પોલીસ (Police) દોડતી થઈ છે. કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં રામકૃષ્ણ શોપિંગ સેન્ટરના પહેલા માળ પર આવેલા બાથરૂમમાંથી શુક્રવારે સવારે 10.30 કલાકે અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી શોપિંગમાં ગેરેજ ચલાવતા રસિક શેખે બાથરૂમનો દરવાજો ખોલીને જોતાં અજાણ્યા ઈસમની નગ્ન હાલતમાં લાશ જોવા મળતાં કામરેજ પોલીસને જાણ કરી હતી.
કામરેજના ઈનચાર્જ પીઆઈ એ.ડી.ચાવડા સ્ટાફ સાથે દોડી જઈ પ્રાથમિક અકસ્માત મોત નોંધી મરનાર ઈસમના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે, મરનાર ઈસમનું પાંચ દિવસ અગાઉ મૃત્યુ થયું હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. શોપિંગ સેન્ટરનું બાથરૂમ બિન ઉપયોગી હતું. મરનાર ઈસમની હત્યા થઈ હોવાની હાલમાં આશંકા છે. જે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં પીએમ રિપોર્ટ બાદ જ મરનાર ઈસમના મોતનું રહસ્ય ખૂલશે.
અંકલેશ્વર-ભરૂચ રોડ પર રિક્ષા રોડની સાઈડમાં 20 ફૂટ ઊંડે ખાબકી, મુસાફરોનો બચાવ
અંકલેશ્વર, ભરૂચ: ભરૂચ રોડ પર રિક્ષા રોડ સાઈડમાં ૨૦ ફૂટ ઊંડે ખાબકી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જ્યારે રિક્ષાને ભારે જહેમતે બહાર કાઢવામાં આવી હતી. ભરૂચ-અંકલેશ્વર રોડની બાજુમાં વાહન ખાબકવાના વધતા બનાવો ચિંતાનો વિષય બની રહ્યા છે.
અંકલેશ્વર-ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર-૮ પર વાહનો રોડની સાઈડમાં ખાબકવાના વધતા બનાવો વચ્ચે શુક્રવારે પુનઃ એકવાર માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. આ સમયે રિક્ષાચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતાં રોડ સાઈડ ખાડામાં ૨૦ ફૂટ ઊંડે ઊતરી ગઈ હતી. જો કે, આ ઘટનામાં સદનસીબે રિક્ષામાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવતાં લોકટોળા એકત્ર થઇ ગયા હતા. ત્યાં સ્થળ પર હાજર લોકોએ ભારે જહેમત બાદ રિક્ષાને બહાર કાઢી હતી. રોડ સાઈડ પર વાહન ખાબકવાના વધતા જતા બનાવો વચ્ચે તંત્ર દ્વારા સાઈડ ડિવાઈડર ઊભા કરવામાં આવે એ ખાસ જરૂર છે.