રાજકોટ: દેશમાં હાલમાં ફેક ન્યુઝ(Feak News)નો ફેલાવો વધી રહ્યો છે. ઘણી વખત આ પ્રકારનાં ફેક ન્યુઝના પગલે લોકોમાં ભય ફેલાતો હોય તો કેટલાક કિસ્સાઓમાં તો વાત હિંસાથી લઇને હત્યા સુધી પહોંચી જાય છે. જો કે આ પ્રકારના ન્યુઝનાં ફેલાવા સામે પોલીસ પગલાં ભરી રહી છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો ગુજરાતનાં રાજકોટ(Rajkot) શહેરમાં સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રનાં એક સાંધ્ય દૈનિક ન્યુઝ પેપરે(News Paper) પોતાના સમાચાર પત્રમાં કરેલી હેડલાઈન(Headline) સામે પોલીસ ફરિયાદ(Police Complain) દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે ન્યુઝ પેપરના પત્રકાર, માલિક અને તંત્રી સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. હકીકતમાં આ ન્યુઝ પેપરમાં ‘ગુડ બાય ભુપેન્દ્રજી વેલકમ રૂપાલા!’ નામની હેડલાઈન છાપવામાં આવતા રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જે બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ન્યુઝ પેપરમાં કરાયું હતું આ લખાણ
રાજકોટનાં એક ન્યુઝ પેપરે ગત 22 ઓગસ્ટના રોજ પોતાના સમાચાર પત્રમાં ‘ગુડ બાય ભુપેન્દ્રજી વેલકમ રૂપાલા!’ નામની હેડલાઈન સાથે એક સમાચાર છાપવામાં આવ્યા હતા. જેમાં ” સરકારમાં ફરી સૌરાષ્ટ્રનો હાથ ઉંચો”, “ઇન્ટર્નલ હિલચાલ”, ગુજરાત ભાજપમાં કલ્પાનાતિત ટ્વીસ્ટ આવશે, ભુપેન્દ્ર ભાઈ જાય! થતા ચુંટણી પૂર્વે પાટીદાર વોટ બેંકને પોતીકી કરવા ભાજપ હાઈકમાન્ડ જબ્બરદસ્ત ફેર બદલીની ફિરાકમાં” તથા ગુજરાતનાં ભાવિ સી.એમ તરીકે પરસોત્તમ રૂપાલા ઉપરાંત મનસુખ માંડવીયા પણ સામેલ થતા “ભુપેન્દ્ર સરકારના નબળા રીપોર્ટના પડઘા દિલ્હીમાં?” તથા “પ્રદેશ નેતાઓથી કાર્યકરો નારાજનો રીપોર્ટ?” તેમજ “સી.આર પાટીલ ફરી ખોટા સાબિત થશે” જેવું લખાણ કરાયું હતું.
અફવા તેમજ ભાજપમાં ગભરાટ પેદા કરવાનો આક્ષેપ
આ મામલામાં રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકમાં કોન્ટ્રાકટર બાબૂભાઈ લખમણભાઈ વઘેરાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ આ જણાવ્યું હતું કે, કોઈ પણ આધારભૂત માહિતી વિના અફવા ફેલાવવાનાં આશયથી થતા ભાજપ પક્ષમાં ગભરાટ પેદા થાય અલગ-અલગ રાજકીય સમર્થક વર્ગો વચ્ચે ધિક્કાર ઉત્પન્ન થાય જેના કારણે જાહેર શાંતિ જોખમાઈ તેવું લખાણ લખ્યું છે. આ પ્રકારના સમાચારથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વસતા લોકો વચ્ચે વૈમનસ્યની લાગણી ઉત્પન્ન થાય તેકૃત્ય આચર્યું છે. જેથી પોલીસે આ મામલે પત્રકાર અનિરૂદ્ધ નકુલ તેમજ ન્યુઝ પેપરનાં માલિક, તંત્રી સામે ફરિયાદ દાખલ કરી છે.