SURAT

‘ભાજપ ગુંડાઓની પાર્ટી છે’ એવું બોલનાર સુરત આપના નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ તમામ પક્ષો દ્વારા અત્યારથી જ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. વાત એટલી આગળ વધી છેકે હવે રાજકીય પાર્ટીઓ પોલીસ ફરિયાદો પણ દાખલ કરવા માંડી છે. સુરત આપના (AAP) નેતા ગોપાલ ઈટાલિયા (GopalItalia) સામે આજે ભારતીય જનતા પાર્ટીના (BJP) એક કાર્યકર દ્વારા સુરતના ઉમરા પોલીસ મથકમાં બદનક્ષીની ફરિયાદ (Police Complaint) કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને વરાછા રોડ પર અરિહંત જ્વેલર્સ નામનો શો રૂમ ધરાવતા જ્વેલર પ્રતાપ વિરજી ચોડવડીયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પ્રતાપ ચોડવડીયાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયા દ્વારા જાણી જોઈને ઈરાદાપૂર્વક ‘ભાજપ ગુંડાઓ-લુખ્ખાઓની પાર્ટી છે’ તેવા અપમાન જનક અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી અને ‘લોહીના એક એક ટીપાંનો હિસાબ લઈશું’ તેમજ ‘બેટાઓ કરી લ્યો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લ્યો, ચૂંટણી પછી નાની યાદ કરાવી દેવાની છે’. જેવા ધમકીભર્યા ઉચ્ચારણો કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. આ ઉપરાંત ભાજપના ગૃહરાજ્ય મંત્રી (HomeMinister) હર્ષ સંઘવી (HarshSanghvi) માટે ”ડ્રગ્સહ સંઘ ‘વી” તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) માટે માજી બુટલેગર જેવા અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દોનો ઉપયોગ કરી તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. ગોપાલ ઈટાલિયાએ લોકોને કાપોદ્રા પોલીસ સ્ટેશને ભેગા થવાની હાકલ કરી જાહેર જનતામાં ગભરાટ પેદા કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. તેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ચોડવડીયાની ફરિયાદ લઈ સુરત ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મામલો શું છે?
ગઈ તા. 30 ઓગસ્ટના રોજ સીમાડા નાકા ખાતે મનોજ સોરઠીયા ઉપર કેટલાંક ઈસમો દ્વારા હુમલો થયો હતો. આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા કરાયા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા. બનાવ બાદ ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરાયો હતો, જેમાં સી.આર. પાટીલ, હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ વિશે અપમાનજનક ટીપ્પણીઓ કરાઈ હતી. આ વીડિયો મામલે ચોડવડીયા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

Most Popular

To Top