SURAT

સુરત પોલીસ સહિત વાલીવારસોએ આખી સિવિલ ફેંદી નાંખી ને બાળક મળ્યું સિક્યુરિટીની કેબિનમાંથી

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) મજુરના પાંચ વર્ષના બાળકને શોધવા માટે ખટોદરા પોલીસ (Police)અને મજુરોએ આખી નવી સિવિલ હોસ્પિટલ ફરી વાળ્યા હતા. પણ કોઈએ સિક્યુરિટીની કેબિનમાં (security cabin) જ તપાસ ન કરી. આ તો પોતાની કેબિનમાં લાંબા સમયથી બેસાડી રાખેલા બાળકના કોઈ વાલીવારસ નહીં ફરકતા સિક્યુરિટીએ પણ પોલીસને જાણ કરતાં છેવટે પોલીસ બાળકના માતા-પિતા સાથે ત્યાં પહોંચી હતી. આમ બાળક હેમખેમ નવી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી કેબિનમાંથી જ મળી આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી મેડિકલ કોલેજ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજુરો કામ કરી રહ્યાં છે. તેમાંથી એક મજુર દંપતીનો 5 વર્ષનો દીકરો રમતા-રમતા નવી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ઓપીડીમાં પહોંચી ગયો હતો અને પછી અટવાઈ જતાં રડવા માંડ્યો હતો. જેથી ત્યાંના સિક્યુરિટી સ્ટાફે તેને સિક્યુરિટી કેબિનમાં બેસાડી દીધો હતો. સિક્યુરિટી તેના વાલીવારસની રાહ જોતો હતો કે કોઈ પૂછપરછ કરતું સિક્યુરિટી કેબિનમાં આવશે તો બાળક સોંપી દેશે.

બીજી તરફ બાળક નહીં દેખાતા તેના મજુર માતા-પિતા તેમજ અન્ય મજુરો અને સાઈટ પર કામ કરનારાઓ બાળકને શોધવા નીકળ્યા હતા, તેઓને બાળક ક્યાંય નહીં મળતા ખોટદરા પોલીસને પણ જાણ કરી. આથી ખટોદરા પોલીસ પણ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મજુરો અને પોલીસે બાળકને શોધવા માટે આખી સિવિલ હોસ્પિટલ ફરી વળ્યાં, પણ ક્યાંય બાળક મળ્યો નહીં. બીજી તરફ બાળકના વાલીવારસ નહીં મળતા સિક્યુરિટીએ પણ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સિક્યુરિટી કેબિનમાં પહોંચતા બાળક ત્યાં મળી આવ્યું હતું. સૌએ આખી સિવિલમાં બાળકને શોધવા ભારે જહેમત ઉઠાવી પણ બાળક કેબિનની અંદર બેઠો હોવાનું કોઈના ધ્યાનમાં જ ન આવ્યું. છેવટે બાળક અને તેના માતા-પિતાનું મિલન થયું હતું. પોલીસે ઔપચારિકતા પૂર્ણ કરીને બાળકનો કબજો તેના માતા-પિતાને સોંપ્યો હતો.

Most Popular

To Top