વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ પર ઉંધો સુવડાવીને કમરની નીચે રપ થી ૩૦ ડંડા ફટકારતા યુવાનમાં ઉભા રહેવાના હોંશ ન હતાં. ઈજાગ્રસ્તોને પાદરામાં પ્રાથમિક સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આઝાદીને 75 વર્ષ પુર્ણ થયા છતાં દેશમાં કાનૂન ખુદ ક્યારેક કાયદો હાથમાં લઈને સર્વોપરી બની જતા અંગ્રેજોના ક્રુર શાસનની યાદ અપાવી જાય છે. પાદરા નજીક રણુ ગામે રહેતા 55 વર્ષીય અમરસિંગભાઈ શનાભાઈ પઢીયાર વડદલા રોડ પર આવેલ અરવલ્લી કંપનીમાં ત્રણ વર્ષથી સિક્યુરીટીની ફરજ બજાવે છે. તા.11 ના રોજ કંપનીમાં ચોરીનો બનાવ બન્યો હતો. તે બાબતે કંપનીના માલીક પુછતાછ કરીને પોલીસને જાણ કરી હતી.
તપાસાર્થે પાદરા પોલીસે સિક્યુરીટી જવાન અમરસીંગ તથા તેના પુત્ર ધર્મેન્દ્ર સહિત પરિવારને પોલીસ સ્ટેશને સાંજે બોલાવ્યા હતા. અન્ય પરિવારજનોને બહાર બેસવાનું જણાવી પુછતાછ અર્થે પિતા-પુત્રને પોલીસ અંદર લઈ ગઈ હતી. પ્રારંભમાં કડકાઈભરી પુછતાછ છતાં ચોરી સંદર્ભે કોઈ ફળદાયી હકિકત ના સાંપડતા જ પોલીસ વિફરી હતી. પિતાની સામે જ પુત્ર ધર્મેન્દ્રને પોલીસે ઉંધો સુવડાવીને પીઠ તથા કમરના ભાગે આડેધડ દંડા બાજી કરતા તુટી પડ્યા હતા. મોટો આતંકવાદી કે ગુનેગાર હોય તેમ પાશવી અત્યાચાર ગુજારતા પોલીસે રપ થી ૩૦ ડંડા ફટકારીને અધમુઓ કરી નાખ્યો હતો.
પુત્રની કરૂણ ચીસો સાંભળીને પિતાએ બચાવવાનો પ્રયાસ કરતા પોલીસ આક્રમક બનીને આધેડ ઉપર તુટી પડી હતી. અને ૧પ થી વધુ ડંડા ફટકારી દિધા હતા. આશરે બે થી ત્રણ કલાક સુધી ચાલેલા અમાનુષી અત્યાચાર બાદ પિતા-પુત્રને પોલીસે છોડી મુકીને પરિવારજનોને સોપતા જ આક્રોશ ફાટી નિકળ્યો હતો. પોલીસની નિર્દયતાપુર્વકની કામગીરી પર ફિટકાર વર્ષાવતા પરિવારજનો ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે પાદરા હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યા ફરજ પરના તબિબે બનને ઈજાગ્રસ્તોની હાલત નિહાળીને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. ચાર પોલીસના અત્યાચાર અંગે ઈજાગ્રસ્ત પિતા-પુત્રએ આખરે ન્યાય મેળવવા ગ્રામ્ય ડીવાયએસપી, આઈ.જી., ગૃહમંત્રી અને માનવ અધિકાર પંચને વિગતવાર પુરાવા સહ અરજી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના અંગે સત્વરે તપાસ હાથ ધરતા ટુંક સમયમાં જ અત્યાચારી પોલીસ વિરૂધ્ધ ગુનો નોંધાય તેવું સંભળાઈ રહ્યું છે.