વડોદરા: અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ છેલ્લા એક સપ્તાહમાં નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં જ વડોદરાના પાદરા તાલુકામાં કોંગ્રસના પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારુની મહેફિલ માણતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા- ગોરીયાદ પાસે ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓ પાદરા પોલીસની અડફેટે ચડી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાત સામે આવતા ચર્ચાના ચકડોળે ચઢી છે. સમાજમાં દારૂને દૂષણને બદલે ભૂષણ માનતા આ નબીરાઓ ખેતરાઉ જેવી ખુલ્લી જગ્યાએ એકત્રિત થઈને મહેફીલે મંડયા હતા.
પાદરા પોલીસને શહેરના પાદરા-ગોરીયાદ નજીક ખુલામાં શરાબની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે 10 જેટલા નબીરાની અટકાયત કરી છે અને પોલીસ મથકમાં લાવવામાં આવ્યા છે. નબીરાઓ ઝડપાતા જ મોબાઈલની ઘંટડી રણકતી થઇ ગઈ છે. વડોદરાથી ગાંધીનગર સુધી તાર ઝણઝણવા લાગતા પોલીસે પણ સાવચેતી દાખવવાનું શરુ કર્યું છે. વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી, તેમનો ભાઈ, મયુરસિંહ નટરવરસિંહ પરમાર, મહેન્દ્ર બાબુ સોલંકી, વિજય બાબુ લુહાર, જય સુધીર પટેલ, મીત વિષ્ણુ પ્રજાપતિ, આરીફ અનવર વ્હોરા, હાર્દિક જયંતીભાઈ ગોહિલ, પ્રવીણ કિશોરસિંહ ગોહિલ અને વિજય રાવજીભાઈ સોલંકીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંધ બારણે ગોઠવણ થઈ ગઈ હોવાની શક્યતાઓ
પોલીસ જ્યાં જ્યાં દરોડા પાડે છે ત્યાંથી દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ જેવા કે મોબાઈલ, બાઈક, કાર અને રોકડ જેવા મુદ્દામાલને કબ્જો લઇ તેને જપ્ત કરેલ મુદ્દામાલ તર્રીકે દર્શાવતી હોય છે. પણ આ કેશમાં પાદરા પોલીસે કોઈપણ મુદ્દામાલ બતાવ્યો ન હોવાથી પોલીસની કાર્યવાહી ક્યાંક કાચી રહી હોય અને બંધ બારણે ગોઠવણ થઇ ગઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના કારણે પોલીસની કાર્યવાહી ઉપર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.