Madhya Gujarat

ડાકોરમાં દુષ્કર્મી ડોક્ટરને પકડવામાં પોલીસ નિરસ

નડિયાદ: ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા સામે ડાકોર પોલીસમથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાયાંને આજે ૨૫ દિવસ વિતી ગયાં છે. તેમછતાં પોલીસતંત્ર આ દુષ્કર્મી ડોક્ટરને પકડી શક્યું નથી. ત્યારે ભોગ બનનાર ડોક્ટર યુવતિ અને તેના પરિવારજનોએ આ મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી, દુષ્કર્મી ડોક્ટરને વહેલીતકે પકડી પાડવા માંગ કરી છે. ડાકોરમાં રહેતી 28 વર્ષીય ડોક્ટર યુવતિ ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં એપ્રેન્ટીસ તરીકે સેવા આપતી હતી. તે દરમિયાન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા (રહે.આણંદ) એ તે યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી, સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

જેથી સરકારી નોકરીની લાલચ ઉપરાંત સિનિયર ડોક્ટર પાસેથી કંઈક નવું શીખવા અને જાણવા મળશે તેવા આશય સાથે યુવતિ ડો.અજય વાળાના સંપર્કમાં રહેવા લાગી હતી. બીજી બાજુ ડો.અજય વાળા અવારનવાર યુવતિને પોતાની ઓફિસમાં બોલાવતો હતો અને એકલતાનો લાભ લઈ શારીરીક અડપલાં કરતો હતો. તેમજ ડો.અજય વાળાએ લગ્ન કરવાની લાલચ આપી આ ડોક્ટર યુવતિને હોસ્પિટલના ક્વાટર્સમાં તેમજ આણંદ ખાતે આવેલ પોતાના મકાનમાં લઈ જતો હતો અને ત્યાં અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો.

આ મામલે ભોગ બનનાર યુવતિએ ગત તારીખ ૭ મી જુલાઈના રોજ ડાકોર પોલીસમથકમાં ફરીયાદ આપી હતી.જેના આધારે ડાકોર પોલીસે ડો.અજય વાળા સામે ગુનો નોંધ્યો હતો. આ ફરીયાદ નોંધાયાને આજે ૨૫ દિવસ જેટલો સમય વિતી ગયો હોવાછતાં પોલીસતંત્ર આ દુષ્કર્મી ડોક્ટરને પકડી શક્યું નથી. ત્યારે ભોગ બનનાર યુવતિ અને તેના પરિવારજનોએ આ મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી, દુષ્કર્મી ડોક્ટરને વહેલીતકે પકડી આગળની કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે.

ડોક્ટરના આગોતરા જામીન નામંજુર કર્યાં
ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં એપ્રેન્ટિસ કરતી ડોક્ટર યુવતિ ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવતિએ ડાકોર પોલીસમથકમાં ફરીયાદ નોંધવતાં દુષ્કર્મી ડો.અજય વાળા ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને તેણે પોલીસ પકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન મુક્યાં હતાં. જોકે, કોર્ટે તાજેતરમાં જ આરોપી ડો.અજય વાળાના આગોતરા જામીન નામંજુર કર્યાં હતાં.

દુષ્કર્મી ડોક્ટર તેના સાગરીતો મારફતે ભોગ બનનાર યુવતિને ધમકીઓ આપી રહ્યો છે
ભોગ બનનાર યુવતિ જણાવે છે કે, ફરીયાદ નોંધાયાના ૨૫ દિવસ બાદ પણ દુષ્કર્મી ડોક્ટર પોલીસ પકડથી દૂર છે. ત્યારે, આ દુષ્કર્મી ડોક્ટર તેના સાગરીતો મારફતે આ કેસમાં સમાધાન કરવા અમારા ઉપર દબાણ લાવી રહ્યો છે. તેમજ ધમકીઓ આપી રહ્યો છે. તે જોતાં મારા અને મારા પરિવારજનોના જીવ જોખમમાં છે. તેમછતાં પોલીસતંત્ર દુષ્કર્મી ડોક્ટરને પકડવામાં નિરસ છે. ત્યારે અમારા સાથે કોઈ ઘટના ઘટશે તો તેની જવાબદારી પોલીસની રહેશે.

Most Popular

To Top