સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા તાલુકામાં આદિવાસી સમાજમાં વિશાલ હત્યા કેસને લઈ મામલો બીચકતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં કોઈ પગલા ન ભરાતા સોમવારે આ વિસ્તારના આદિવાસી દ્વારા વિશાલ હત્યાં કેસમાં આરોપી રાકેશભાઈ સોમાભાઈ ડામોર સામે તપાસમાં પોલીસના કુણા વલણને લઈ નારાજગી સાથે ઉગ્ર રોષ વ્યક્ત કવરવામા આવ્યો હતો અને કડાણા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વિશાલની હત્યામાં આરોપી રાકેશ સોમા ડામોર સાથે અન્ય પણ ઈસમો સામીલ હતા. જેઓની પોલીસ દ્વારા હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આદિવાસી સમાજ દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, વિશાલના હત્યારાઓને બચાવવાં પોલીસ કોઇ રાજકીય દબાણમા આવી આરોપીઓને છાવરી રહી છે તેમજ હત્યામાં સંડોવાયેલા અન્ય સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દુર છે. સોમવારે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આગામી ત્રણ દિવસમાં વિશાલની હત્યાના આરોપીઓને સજા માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સહ પરિવાર ડીંટવાસ પોલીસ મથકે આત્મવિલોપ કરશે તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જન મેદની એકત્રિત થઈ ઉગ્ર આંદોલન કરશે. તેમ ઉમેર્યું હતું.