Gujarat

જૂના પોલીસ મથકને આધુનિક બનાવાશે, અધિકારીઓ અને અરજદારો માટે પુરતી સુવિધાનો ખ્યાલ રખાશે

રાજય સરકાર દ્વારા પહેલા પોલીસ આવાસને અગ્રીમતા આપ્યા બાદ હવે જૂના પોલીસ મથકને નવા બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં ચાંદખેડા પોલીસ મથકના નવીનીકરણમાં તેની ડિઝાઈન અને નિર્માણમાં ખાસ સુધારા કરાયાં છે.
અમદાવાદમાં પાલડી અને ચાંદખેડા પોલીસ મથકના લોકાર્પણ બાદ ગૃહ મંત્રી પ્રદિપસિં જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓ મળે અને અધિકારીઓ માટે કામગીરીમાં સાનુકૂળ વાતાવરણ સર્જાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત પોલીસ આવાસ નિગમે પોલીસ આવાસને અગ્રીમતા આપ્યા બાદ હવે જૂના પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે બીડું ઝડપ્યું છે. તેમણે આ પ્રસંગે ચાંદખેડા પોલીસ મથકની ડિઝાઈન અને નિર્માણમાં નૂતન અભિગમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ પોલીસ મથકમાં પોલીસ અધિકારી તેમ જ નાગરિકોને આનુષાંગિક સુવિધાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, પોલીસ મથક નિર્માણના કેન્દ્રમાં નાગરિક છે.

ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું પણ લોકાર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સ્વૈચ્છિક સંગઠનોના સહકાર દ્વારા ટ્રાફિકની સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યરત છે. આ અંતર્ગત જ યુવા અનસ્ટોપેલ સંસ્થા સાથે બાળકો અને યુવાનોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આણવા માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં રથયાત્રા આયોજન સંદર્ભે મીડિયાના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે અને આ અંગે સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસ મથક 2.12 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક 2.51 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

Most Popular

To Top