વલસાડ : વલસાડ (valsad) નગર પાલિકાના (municipality) અંધેર વહીવટની પોલ ખોલને લોક જાગૃતિ હેઠળ 1 માર્ચથી 15 માર્ચ સુધી બતાવવા મંજૂરી મેળવવા વલસાડ પાલિકાના સભ્ય ઉર્વશી પટેલ (Urvashi Patel) અને માજી પાલિકા પ્રમુખ રાજુ મરચાંએ કલેકટર (collector) , એસપી (SP), પાલિકા સીઓ (CO) અને મામલતદારને લેખિત રજૂઆત કરતા પાલિકાનું વાતાવરણ ગરમાયુ છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ વલસાડ પાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. વોર્ડ નં. 1,11ના કામો ન કરી પ્રજાના ટેક્સના પૈસાનો ગેર વહીવટ કરી રહ્યા છે. જે અંગે ગાંધીનગર સુધી રજૂઆતો કરી હોવા છતાં કાયદાની ઉપરવટ જઈ વધારાના કામો લાવી બોર્ડની જાણ બહાર કામ મંજુર કરાવી એજન્સીને બિલો ચૂકવી દેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે. જેની સીધી અસર પાલિકાની તિજોરી ઉપર સ્વભંડોળમાં રૂપિયા ન હોવાને લઇ કામો પર અસર થઈ રહી છે. આ રજુઆતમાં પાલિકાના અન્ય સભ્ય વિકાસ આર. પટેલ અને સોનલબેન કે. પટેલએ પણ સહી કરી છે.
વલસાડમાં આ છે સમસ્યા
બંધ જેસીબી, 4 થી5 મહિનાઓથી ટ્રેકટર બંધ છે, ટાયરમાં હવા ભરવા પણ ડ્રાઇવરોએ પૈસા ખર્ચવા પડે છે. સભ્યોની પણ આજ હાલત છે, વોર્ડ માં નાના કામો કરાવવા સ્વખર્ચ કરવો પડે છે. નિવૃત થતા કર્મચારીઓના પેન્શનમાં મુશ્કેલી, વલસાડમાં 9 મહિના અગાઉ વિકાસના કામોના થયેલા ઉદઘાટનના ગટર, રસ્તાઓ, પેવરબ્લોકના કામો બાકી છે. ઉપરાંત ઉભરાતી ગટરો, પમ્પીગ સ્ટેશનો બંધ હોઈ ઔરંગા નદીને ડ્રેનેજમય, ગંદકી મળમૂત્રથી ભરી દીધી છે. વોર્ડ નંબર 2માં શૌચાલય નથી, જે હયાત છે તે ખંડેર થયા છે. મહિલાઓને મોટી સમસ્યા નડી રહી છે.
મંજૂર થયેલા આ વિકાસ કામો જાણી જોઈને કરાતા નથી!
શહેરના પૂરગ્રસ્ત વિસ્તાર વલસાડ પારડી, સપ્તસુગી માતાનું મંદિર, કાશ્મીર નગર, સિપાઈવાડ, રાણા સમાજની વાડી, ઘડોચી મહોલ્લો, સેમા ચાલ વિસ્તારમાં મંજૂર થયેલી ગટરોનું કામ જાણી જોઈને કરાતું નથી.
ટાવર પાસે પ્રોજેક્ટર મૂકી શહેરની સમસ્યાઓ ઉજાગર કરાશે
શહેરના 1થી11 વોર્ડમાં 1 માર્ચથી 15 માર્ચ સુધી સાંજે 4 થી7 દરમિયાન રજૂઆતકર્તા સભ્ય દ્વારા તેમના સ્વખર્ચે ‘પોલ ખોલ કાર્યક્રમ’ લોક જાગૃતિ હેતુસર રાખી લોકોના કામો ન થવા, અધિકારીઓ કેમ કામ નથી કરતા, એનો સચોટ રિપોર્ટ અહેવાલ શહેરીજનો સમક્ષ મુકાશે. ટાવર પાસે પ્રોજેક્ટર મુકી શહેરની તમામ સમસ્યાઓ ઉજાગર કરશે તેવો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.