રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ને ભારતના ઘરનો એક ઓરડો ગણાવ્યો હતો જે અજાણ્યાઓ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ઓરડો ભારતનો એક ભાગ છે અને એક દિવસ તેને પાછો લઈશું.
મધ્યપ્રદેશના સતનામાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, “આખું ભારત એક ઘર છે. પરંતુ અમારા ઘરનો એક ઓરડો, જ્યાં અમારા ટેબલ, ખુરશી અને કપડાં રાખવામાં આવ્યા હતા, તે કોઈએ કબજે કરી લીધો છે. એક દિવસ અમારે તે પાછો લેવો પડશે.” તેમના નિવેદનને હાજર બધાએ જોરથી તાળીઓ પાડી વધાવી લીધું હતું.
સિંધી સમુદાયનો આભાર માન્યો
કાર્યક્રમમાં હાજર સિંધી સમુદાયનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું, “હું ખૂબ ખુશ છું કે ઘણા સિંધી ભાઈઓ હાજર છે. તેઓ પાકિસ્તાન ગયા ન હતા પરંતુ અવિભાજિત ભારતમાં હતા. સંજોગો અમને અહીં લાવ્યા, નહીં તો અમારું ઘર અને આ ઘર અલગ નથી.” તેમણે કહ્યું કે પીઓકે આપણા વતનનો એક ભાગ છે જે હવે વિદેશીઓના કબજા હેઠળ છે અને આ ભારત માટે માત્ર ભૌગોલિક મુદ્દો નથી પરંતુ ભાવનાત્મક પણ છે. ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીઓકેમાં પાકિસ્તાન શાસન સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
પીઓકેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત
પીઓકેમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં પીઓકેમાં દસ લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. સૌથી ગંભીર હિંસા ધીરકોટમાં થઈ હતી જ્યાં ચાર વિરોધીઓને ગોળી મારી દેવામાં આવી હતી. મુઝફ્ફરાબાદ, દડિયાલ (મીરપુર) અને ચમ્યાતી (કોહાલા) માં અન્ય મૃત્યુ નોંધાયા હતા. પીઓકેના લોકો આર્થિક રાહત અને રાજકીય સુધારાની માંગ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આ પાકિસ્તાનનો પર્દાફાશ કરે છે જે 1947 થી દાવો કરી રહ્યું છે કે પીઓકેના લોકો ભારત વિરુદ્ધ છે.
ભાગવતનું પહેલગામ હુમલા પર નિવેદન
એક દિવસ પહેલા ગુરુવારે મોહન ભાગવતે પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું હતું કે ઘટના પછી વિશ્વના દેશોના પ્રતિભાવથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતના સાચા મિત્રો કોણ છે. તેમણે કહ્યું કે ભારતના રાજકીય નેતૃત્વની દૃઢતા, તેની સેનાની હિંમત અને તેના સમાજની એકતાએ આ હુમલાનો મજબૂત જવાબ આપ્યો.