સુરત: (Surat) પંજાબ નેશનલ બેન્કને લોનના (PNB Loan) નામે 14,500 કરોડનો ચૂનો ચોપડનાર ભાગેડુ હીરા ઉદ્યોગકારો નીરવ મોદીની સુરતમાં આવેલી સાત જેટલી સંપત્તિઓ સીઝ કરવા કસ્ટમ વિભાગે સુરતની કોર્ટમાં (Surat Court) પ્રોસેસ અરજી કરી છે. 2019માં કૌભાંડ કર્યા પછી નીરવ મોદી બ્રિટન ભાગી ગયો હતો અનેક વાર કસ્ટમ વિભાગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તે હાજર નહીં થતા કસ્ટમ વિભાગે તેને ભાગેડૂ જાહેર કર્યો હતો.
કસ્ટમ વિભાગ દ્વારા હવે સચિન સેઝમાં આવેલી સેઝમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રા.લિ., ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ. અને રાધેશ્રી જ્વેલરી કંપનીની માલિકીના પ્લોટ, ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રા.લિ.ની દિલ્હીગેટ બેલ્જિયમ ટાવર ખાતે આવેલી ઓફિસો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. સૂરસેઝ, બેલ્જિયમ ટાવર ખાતેના પ્લોટ અને દુકાનો સહિતની સ્થાવર મિલકત તથા રૂપિયા 12.09 કરોડની કિંમતની જ્વેલરી જપ્તીની સુરત કસ્ટમ વિભાગની અરજી સુરત જિલ્લા કોર્ટે મંજૂર કરી છે. હવે આ તમામ મિલકતોને કસ્ટમ વિભાગ ટાંચમાં લેશે. સુરત કસ્ટમ વિભાગ દ્વારા નિરવ મોદીની માલિકીની સુરત ખાતેની મિલકતો પર ટાંચ મુકવા માટે સુરત જિલ્લા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અરજી આજે કોર્ટે મંજૂર કરી છે.
મંજૂરીના પગલે સુરત ખાતેની 7 સ્થાવર મિલકત અને રૂપિયા 12.09 કરોડની જ્વેલરી પર ટાંચમાં લેવાનો કસ્ટમનો માર્ગ ક્લિયર થયો છે. કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ લોન કૌંભાડમાં મુંબઈ ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ પ્લોટ, નિર્માણાધિન ફેક્ટરી તથા ઝવેરાત અને રફ તથા પોલિશ્ડ ડાયમંડ પર કબ્જા માટે સુરત કસ્ટમ દ્વારા અરજી કરાઈ હતી, જેને કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ 3 વાર સમન્સ આપવા છતાં નીરવ મોદી સુરત કસ્ટમ સમક્ષ હાજર નહીં થતા તેની મિલ્કતો ટાંચમા લેવામાં આવી રહી છે. માર્ચ 2019માં ઇડીએ સચિન સેઝમાં દરોડા પાડી 93 કરોડના હીરા એક્સપોર્ટના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. જેની તપાસ પછી માહિતી મળી હતી કે હીરા ઓવરવેલ્યુએશન કરી એક્સપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેની વાસ્તવિક કિંમત માત્ર પાંચ કરોડની હતી.
આ કંપનીઓની સાત પ્રોપર્ટી ટાંચમાં લેવાશે
- સચિન સેઝમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રા.લિ.
- ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ.
- રાધેશ્રી જ્વેલરી કંપનીની માલિકીના પ્લોટ
- ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રા.લિ.ની દિલ્હીગેટ બેલ્જિયમ ટાવર ખાતે આવેલી ઓફિસો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ