બિહારમાં મતદાન અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માતા સાથે દુર્વ્યવહાર થયાના હોબાળા પછી બિહાર કોંગ્રેસે તેના X હેન્ડલ પર વડાપ્રધાન મોદી અને તેમની માતાનો AI જનરેટ કરેલો વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વીડિયો પછી ફક્ત બિહાર નહીં દેશમાં રાજકીય પારો ઉંચકાયો છે.
36 સેકન્ડના AI જનરેટ કરેલા વીડિયોમાં પીએમ મોદી જેવા દેખાતા એક પુરુષ અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન જેવા એક વૃદ્ધ મહિલા દેખાય છે. વિડિઓના કેપ્શનમાં લખ્યું છે- માતા સાહેબના સ્વપ્નમાં આવ્યા હતા. રસપ્રદ સંવાદ જુઓ. ગુરુવારે રાત્રે શેર કરાયેલા આ વિડિઓમાં પ્રધાનમંત્રીની માતા તેમના સ્વપ્નમાં આવીને કહે છે કે તમે રાજકારણ માટે કેટલા નીચે જશો?
આ વીડિયોને લઈને વિવાદ વધી રહ્યો છે. ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે, આ વીડિયોને વડા પ્રધાન અને તેમની માતા વિરુદ્ધ વાંધાજનક ગણાવ્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે રાજકીય ચર્ચાનું સ્તર ઘટાડીને બધી હદો વટાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘રાહુલ ગાંધી હવે ખૂબ નીચે ઉતરી ગયા છે. જાણે તેમની નકલી માતા હોય, તેમને પોતાની માતાના માનની કોઈ પરવા નથી. તે બીજાની માતાનું સન્માન કેવી રીતે કરશે.’
પહેલા ભાજપે રાહુલ-તેજશ્વીનો વીડિયો બહાર પાડ્યો
આના 12 કલાક પહેલા બિહાર ભાજપના X હેન્ડલ પરથી AI જનરેટ કરેલો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મીડિયા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં CMના ચહેરા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારબાદ બંને રાહુલના PM બનવા અને તેજસ્વીના CM બનવા પર ચર્ચા કરતા જોવા મળે છે.
હવે જાણો કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ AI વીડિયોમાં શું છે
બિહાર કોંગ્રેસના X હેન્ડલ પર જાહેર કરાયેલ AI જનરેટ કરેલા વીડિયોમાં સંભળાય છે, મા સાહેબના સપનામાં આવી હતી. આ પછી બે પાત્રો બતાવવામાં આવ્યા છે. જેમાં એક વૃદ્ધ મહિલા (PMના માતા જેવા) એક પુરુષના સપનામાં આવે છે (PM જેવા).
તે કહે છે ‘અરે દીકરા, પહેલા તેં મને નોટબંધી માટે લાઈનોમાં ઉભી રાખી. મારા પગ ધોતા રીલ્સ બનાવી અને હવે તું બિહારમાં મારા નામે રાજકારણ કરી રહ્યો છે.’ ‘તમે મારું અપમાન કરતા બેનરો અને પોસ્ટરો છાપી રહ્યા છો. તમે ફરીથી બિહારમાં નાટક કરી રહ્યા છો. રાજકારણના નામે તમે કેટલા નીચા જશો?’
સામાજિક અને કાનૂની રીતે સજા થવી જોઈએ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બેગુસરાયમાં કોંગ્રેસના AI વીડિયો પોસ્ટ પર કહ્યું, ‘તેમને આ માટે સામાજિક અને કાનૂની રીતે સજા થવી જોઈએ. મોદીજીની માતાનો AI વીડિયો બનાવવો ખૂબ જ ખોટું છે. તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ થવો જોઈએ, તપાસ થવી જોઈએ.’ ‘રાહુલ ગાંધી હવે સાબિત કરવા માંગે છે કે અમે છેતરપિંડી કરનારા છીએ, અમે દુષ્ટ છીએ. આ એક દુર્ભાગ્યપૂર્ણ વલણ છે, અને આવનારા દિવસોમાં તેમને પોતે જ તેના પરિણામો ભોગવવા પડશે. AI વીડિયો બનાવીને ખૂબ જ ખોટું કામ કરવામાં આવ્યું છે.’