નવી દિલ્હી, તા. 25: અમેરિકામાં ઉંચા ટેરિફોનો સામનો કરી રહેલ ભારતીય નિકાસોની સમીક્ષા કરવા માટે વડાપ્રધાનનું કાર્યાલય આવતીકાલે મંગળવારે એક હાઇ-લેવલ બેઠક યોજશે એમ આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાનના પ્રિન્સીપલ સેક્રેટરી સંભાળે તેવી શક્યતા છે. અમેરિકાન પ્રમુખ ટ્રમ્પે ભારત પર લાદેલા વધારાના ટેરિફ બુધવાર ૨૭ ઓગસ્ટથી અમલી બની રહ્યા છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નિષ્ણાતો સાથે સલાહ મસલત કરી રહ્યું છે. રશિયન ઓઇલની ખરીદી બદલ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જે વધારાના ૨૫ ટકા ટેરિફ ભારત પર લાદ્યા છે તે સહીતના પ૦ ટકા ટેરિફ બુધવાર ૨૭ ઓગસ્ટથી અમલી બની રહ્યા છે ત્યારે આ ટેરિફની અસરો સમજવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલો સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલની ૨૫ ટકા લેવીની અસર અંગે કંપનીઓ કહે છે કે આ ટેરિફને કારણે નફાનું માર્જિન ઘટી ગયું છે અને સ્પર્ધાત્મકતા પણ ઓછી થઇ ગઇ છે. ચર્ચા હેઠળના નીતિ વિકલ્પોમાં વ્યાપક, સમગ્ર અર્થતંત્રને લગતા પગલાઓને બદલે કેટલાક ચોક્કસ ઉદ્યોગો માટે ટેકાનો સમાવેશ થાય છે.
નિકાસકારોએ માગણી કરી છે કે એક ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) શરૂ કરવામાં આવે, જે સરકારના ટેકાવાળા રિસ્ક કવર સાથે એક બોજા મુક્ત કાર્યકારી મૂડી પૂરી પાડે. પણ અધિકારીઓ માને છે કે સેકટર લક્ષી દરમ્યાનગીરીઓ વધુ અસરકારક રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે નાની કંપનીઓએ સંકેત આપ્યો છે કે કોલેટરલ ટેકા સાથેની સેકટરલક્ષી ક્રેડિટ લાઇનો વધુ મદદરૂપ છે. લિકવીડિટીના દબાણને હળવું કરવા માટે કલ્સ્ટર આધારિત મૂડી ભંડોળો પણ સક્રિય વિચારણા હેઠળ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિકાસ લક્ષી એકમો અને નાના તથા મધ્યમ સાહસો સરકારની વ્યુહરચનાના કેન્દ્રમાં રહ્યા છે, બાહ્ય આંચકાઓ સામે તેમની જોખમી સ્થિતિ જોતા તેમને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. મંગળવારની બેઠક ભારતના જવાબની રૂપરેખા ઘડી કાઢે તેવી અપેક્ષા છે જ્યારે નિકાસકારો ટેરિફ વધારા માટે તૈયાર થઇ રહ્યા છે. ૫૦% અમેરિકી ટેરિફ ભારતીય નિકાસકારો માટે માર્જિન પર વધુ દબાણ લાવી શકે છે, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી શકે છે અને કાપડ અને ચામડાથી લઈને એન્જિનિયરિંગ ગુડ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સુધીના મુખ્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતાને અસર કરી શકે છે તેવી વધતી ચિંતાઓ વચ્ચે સરકારનું આ પગલું આવ્યું છે.