SURAT

ઓલપાડના સાડા ચાર લાખ લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંવાદ કરશે

સુરત: (Surat) સુરતના ઓલપાડ (Olpad) વિધાનસભા મત વિસ્તારમાં આગામી તા. 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) વર્ચ્યુઅલ સંવાદના (Virtual Samvad) કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઓલપાડના 4.77 લાખ લોકો સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલી સીધી વાતચીત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ હાજરી આપશે. ઓલપાડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલે કહ્યું આ પ્રસંગે એક મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.

ઓલપાડના ધારાસભ્ય અને પેટ્રોકેમિકલ્સ – એનર્જી સહિત એગ્રીકલ્ચરના રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ઓલપાડ તાલુકામાં ત્રણ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની રૂપરેખા રજુ કરવામાં આવી હતી. આ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, આગામી 8મી સપ્ટેમ્બરના રોજ તાલુકામાં વિવિધ વિકાસલથી કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુર્હુતનું આયોજન કરવામાં આવશે. જેમાં સંભવતઃ પહેલી વખત કોઈ તાલુકાલક્ષી કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા છેલ્લા 10 વર્ષમાંએલપાડ તાલુકાની કાયાપલટ અંગેનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં સિંચાઈ, પીવાના પાણી, વિજળી સહિતના મુળભૂત પ્રાણ પ્રશ્નોનો છેલ્લા 10 વર્ષમાં નિકાલ કરવામાં આવ્યો છે. એક તબક્કે ઓલપાડ તાલુકામાં જયાં પહેલા ઉનાળું અને ચોમાસું ડાંગર મળીને માત્ર 3 હજાર હેક્ટરમાં વાવેતર થતું હતું તે આંકડો વધીને હવે 7 હજાર હેક્ટરને પાર પહોંચ્યો છે. સિંચાઈ માટે 460 કરોડ રૂપિયાથી પણ વધારેના વિકાસ કામો થતાં ખેડૂતો માટે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ચુકી છે. આ સિવાય 100 કરોડ રૂપિયાના ખર્ચે ઓલપાડ અને ચૌર્યાસી તાલુકા વચ્ચે તેના ખાડી પર બ્રિજનું નિર્માણ થતા આ બંને તાલુકાઓ વચ્ચે ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધા માટે જનારા વર્ગને લાભ થયો છે.

વધુમાં મુકેશ પટેલે કહ્યું કે, આગામી 25 વર્ષ સુધી ઓલપાડમાં ઔદ્યોગિક એકમો અને ખેડૂતો માટે વિજળીની આવશ્યકતાને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા 266 કરોડના ખર્ચે 24 જેટલા સબ સ્ટેશનો તથા 11 કરોડના ખર્ચે 220 કેવીનું સબસ્ટેશન મંજૂર કરાવવાની સાથે કામગીરી પૂરી કરાઈ છે.

નોંધનીય છે કે, આગામી 8મી સપ્ટેમ્બરના રોજ ઓલપાડમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે મેગા મેડકલ ફ્રી કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 50 હજારથી વધુ લાભાર્થઈઓનું મેડિકલ ચેકઅપ ફ્રીમાં કરાશે. આ દરમિયાન જો કોઈ લાભાર્થીને ઓપરેશન માટેની આવશ્યકતા જણાશે તો તેને તેની સુવિધા પણ ઉપલ્બ્ધકરાવાશે. આ ઉપરાંત ઓલપાડ પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે.

Most Popular

To Top