વલસાડ વલસાડ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે સરકારનો વિરોધ કરાયો હતો. પેટ્રોલ પંપની સામે લગાવવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ શાહી ફેંકી રોષ સાથે વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, પોલીસ ધસી આવતાં આવી હરકત કરનારા પાંચ જણાની પોલીસે અટક કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરતાં વલસાડ જિલ્લા કોંગ્રેસે સ્ટેડિયમ રોડ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો ભેગા થતાં પોલીસે ઘેરી લીધા હતા. કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ પોલીસને ચકમો આપી અમે ખમણ લઈને આવીએ છીએ, તેવું કહીને પોતાની ગાડી લઈને લાલ ચર્ચ પાસે આવેલા પેટ્રોલપંપ ઉપર જઈને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોદી સરકારની હાય-હાયના નારા લાગ્યા હતા. જિલ્લા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રોનક શાહ દ્વારા પેટ્રોલ પંપ ઉપર લગાવાયેલા પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીના પોસ્ટર ઉપર શાહી ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ પ્રકારનો વિરોધ કરનારા ઓને સિટી પોલીસે ડિટેઈન કરતા કોંગી કાર્યકરોએ અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. સિટી પોલીસે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ-મહામંત્રી રાહિલ શેખ, પારડી નગરના કાઉન્સિલર બિપીન પટેલ, વિજય પટેલ, શ્વેતાંગ પટેલ સહિત પાંચ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.