વલસાડ : વલસાડમાં (Valsad) શનિવારે સાંજે વડાપ્રધાન (PM) નરેન્દ્રભાઈ મોદી જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે ત્યારે તેમના આગમન ટાણે શહેરની સાફ-સફાઈ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેના પગલે નગરપાલિકા દ્વારા ધરમપુર રોડ પર લગાવાયેલા લારીગલાને મંડપો મળી કુલ ૧૪ ધંધાથીઓને દૂર કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂજવા ખાતે સભા સંબોધી વલસાડ સર્કિટ હાઉસ પર રાત્રે રોકાણ કરી રહ્યા છે. ત્યારે જુજવાથી લઈ સર્કિટ હાઉસ સુધીના રોડ ચકાચક કરી દેવાય છે. આ સાથે રોડની આજુબાજુ શુસોભનની પણ તૈયારી હાથ ધરાય છે. જે અંતર્ગત ડિવાઈડરને રંગરોગ થઈ રહ્યું છે. રોડની સાફ-સફાઈ થઈ રહી છે. તેમજ રોડની આજુબાજુ લાગેલી લારીઓ દૂર કરવાનો અભિયાન પણ નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ રહ્યું છે. જેમાં વલસાડ નગરપાલિકાએ નિરા કેન્દ્રથી ઓવરબ્રિજ સુધી ધરમપુર રોડ પર લાગેલા ચાર મંડપો, કુંડા વેચનારા ચાર ફેરીયાઓ અને બાઈક મિકેનિકની ત્રણ લારીઓ દૂર કરી દીધી છે. આ ઉપરાંત તેમના દ્વારા ચોકડી સુધી પણ રોડની સફાઈ કરી આજુબાજુના દબાણો દૂર કરી રોડ પર રંગ રોગાન કરી તેને સુંદર બનાવી દેવાયો છે.
સર્કિટ હાઉસને પણ નવા રંગ રૂપ અપાયા
ભારતના વડાપ્રધાન વલસાડ સર્કિટ હાઉસમાં આવતીકાલની રાત રોકાનાર છે ત્યારે વલસાડ સર્કિટ હાઉસને નવા રંગ રૂપ અપાઈ રહ્યા છે. સર્કિટ હાઉસમાં રંગ રોગાન તેમજ અનેક નવા ફર્નિચર તેમજ ગાદલા લાવવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષાને લઈ સર્કિટ હાઉસને તમામ તરફથી ગ્રીન નેટ દ્વારા ઢાંકી દેવાયું છે તેમજ દરવાજો પણ ગ્રીન ફાઇબર દ્વારા બંધ કરી દેવાયો છે. મોદીના આગમન કારણે વલસાડમાં થઈ રહેલા આ કામથી લોકોને મોટી રાહત થશે.