સુરત: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-બસ દોડાવવામાં આવી રહી છે અને તે માટે શહેરમાં વધુમાં વધુ ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટેની તૈયારી પણ કરવામાં આવી રહી છે. સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશમાં પ્રથમ શહેર છે.
- સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશમાં પ્રથમ શહેર છે
- 2025 સુધીમાં 500 ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે
શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમ તૈયાર કરવાના ભાગરૂપે વર્ષ 2025 સુધીમાં 500 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જે પૈકી તા. 29 મીએ વડાપ્રધાનના હસ્તે કુલ રૂા. 13.59 કરોડના ખર્ચે પ્રથમ 25 પબ્લિક ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ તથા વધુ 13.59 કરોડના ખર્ચે સુરત શહેરમાં અન્ય બીજા 25 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત થશે. તમામ ફાસ્ટ પ્રકારના ચાર્જીંગ સ્ટેશન છે.
શહેરમાં હાલમાં 16,831 ઇલેક્ટ્રિક વ્હીકલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકવામાં આવી હતી તે પહેલા શહેરમાં માત્ર 1007 ઇલેક્ટ્રિક વ્હીકલ હતા. પોલિસી બાદ હાલમાં શહેરમાં કુલ 16,831 ઇલેક્ટ્રિક વ્હીકલ છે. એટલે કે 1571 % નો વધારો નોંધાયો છે. સુરત શહેરમાં હાલ દર 100 જેટલા નવા નોંધાનાર વ્હીકલમાં લગભગ 14 જેટલા વ્હીકલ એ ઇલેક્ટ્રિક વ્હીકલ છે.